વડાપ્રધાન મોદીએ કહ્યું કે પૂર્વ ભારત દેશનું વિકાસ એન્જિન છે અને ઓડિશા તેનો મહત્વનો ભાગ છે. જ્યારે વૈશ્વિક વિકાસમાં ભારતનું બહુ મોટું યોગદાન હતું, ત્યારે ભારતના પૂર્વ ભાગનો તેમાં ઘણો મોટો ફાળો હતો. ઓડિશા દક્ષિણ પૂર્વ એશિયા સાથે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું.
મોદી મંગળવારે ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા હતા. તેમણે અહીં ઓડિશા સરકારની બિઝનેસ સમિટ ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કર્યું હતું. 28 થી 29 જાન્યુઆરી દરમિયાન જનતા મેદાન ખાતે આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલના દિવસોમાં તમે મુંબઈ અને અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની શાનદાર તસવીરો જોઈ હશે, આ તેનો પુરાવો છે કે ભારતમાં લાઈવ કોન્સર્ટ માટે કેટલો સ્કોપ છે. મોદીએ પોતાના સંબોધનમાં અમદાવાદમાં યોજાયેલ બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લેનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે દુનિયાના મોટો મોટા કલાકારો પણ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યા છે. લાઈવ કૉન્સર્ટ માટે ભારતમાં ખુબ જ સ્કોપ છે. દેશમા રાજ્યોના પ્રાઈવેટ સેક્ટરને આગ્રહ કરતા જણાવ્યું હતું કે લાઈવ કૉન્સર્ટ માટે જરુરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરે. જો રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટર મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કિલ્સ પર ફોકસ કરે તો આપણું અર્થતંત્ર કોન્સર્ટ ઈકોનોમી દ્વારા આગળ વધી શકે છે.
પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું- મને કહેવામાં આવ્યું છે કે ઓડિશાના ઈતિહાસમાં આ સૌથી મોટી રોકાણકાર કોન્ફરન્સ છે. તેમાં 5 થી 6 ગણા વધુ રોકાણકારો ભાગ લઈ રહ્યા છે. આ માટે હું ઓડિશા સરકારને અભિનંદન આપું છું.
લગભગ 3,000 રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ સાહસિકો અને ઉદ્યોગના હિતધારકોએ કોન્ક્લેવમાં ભાગ લીધો છે. આ ઉપરાંત 500 વિદેશી રોકાણકારો અને 17 દેશોના પ્રતિનિધિઓ સહિત લગભગ 7,500 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.
અહીં 5 મુખ્ય ક્ષેત્રો આઇટી, રિન્યુએબલ એનર્જી, ટેક્સટાઇલ, કેમિકલ અને ફ્લાવર પ્રોસેસિંગ પર ફોકસ કરવામાં આવશે. આ મહિનામાં પીએમ મોદીની ઓડિશાની આ બીજી મુલાકાત છે. આ પહેલા 9 જાન્યુઆરીના રોજ તેમણે તે જ સ્થળે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
21મી સદીના ભારત માટે, આ કનેક્ટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીનો યુગ છે. ભારત અભૂતપૂર્વ ગતિ અને સ્કેલ પર વિશિષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. આનાથી ભારત રોકાણ માટે એક ઉત્તમ સ્થળ બનશે. પૂર્વ અને પશ્ચિમના સમુદ્ર કિનારાને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના માધ્યમથી જોડવામાં આવી રહ્યા છે. ભારતનો એક મોટો ભાગ, જે અગાઉ જમીનથી ઘેરાયેલો હતું. હવે સમુદ્ર સુધી પહોંચી શકશે.
આ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 28 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી બે દિવસ માટે યોજાશે, જે દરમિયાન ઉદ્યોગના નેતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ એક જ પ્લેટફોર્મ પર હશે.
તે બધા ઓડિશામાં પસંદગીના ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઉપલબ્ધ તકોની ચર્ચા કરશે. કોન્ફરન્સમાં CEO અને નેતાઓની 4 રાઉન્ડ ટેબલ બેઠકો, 4 ફુલ સેશન, 16 પ્રાદેશિક સેશન, B2B મીટિંગ અને નીતિ વિષયક ચર્ચાઓ થશે.
ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવનો ઉદ્દેશ ઓડિશાને ભારતમાં રોકાણના મુખ્ય સ્થળ અને ઈન્ડસ્ટ્રીયલ સેન્ટર તરીકે સ્થાપિત કરવાનો છે. લગભગ 3,000 રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ સાહસિકો કોન્ક્લેવમાં સામેલ થયા છે.
