રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી અને કહ્યું કે, ‘ આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. બંધારણ ભારતીયોના રૂપમાં આપણી સામૂહિક ઓળખનો આધાર પ્રદાન કરે છે અને બંધારણ આપણને એક પરિવારની જેમ જોડે છે’ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું કે, ‘સરકારે સુખાકારીની વિભાવનાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે અને મૂળભૂત આવશ્યકતાઓને અધિકારનો વિષય બનાવી દીધો છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણી યોજના શાસનમાં નિરંતરતાને પ્રોત્સાહન આપી શકે છે અને નાણાકીય બોજ ઘટાડી શકાય છે.’

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘ગણતંત્ર દિવસનો ઉત્સવ, તમામ દેશવાસીઓ માટે સામૂહિક હર્ષોલ્લાસ અને ગૌરવનો પર્વ છે. એવું કહેવામાં આવે છે કે, કોઈ પણ રાષ્ટ્રના ઇતિહાસમાં 75 વર્ષ એ આંખના પલકારા જેવા હોય છે. પરંતુ મારા વિચારથી ભારતના છેલ્લા 75 વર્ષના સંદર્ભમાં આવું બિલકુલ કહી શકાય નહી. આ એવો સમયગાળો છે જેમાં લાંબા સમયથી સૂતેલા ભારતનો આત્મા ફરીથી જાગૃત થયો છે અને આપણો દેશ વિશ્વ સમુદાયમાં તેનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરવા માટે આગળ વધ્યો છે. વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતામાં સામિલ ભારતને જ્ઞાન અને વિવેકનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવતું હતું. પરંતુ ભારતને એક અંધકારમય સમયગાળામાંથી પસાર થવું પડ્યું. વસાહતી શાસન હેઠળ અમાનવીય શોષણને કારણે દેશમાં ભારે ગરીબી પ્રવર્તતી હતી.’

તેમણે કહ્યું કે, ‘આજના દિવસે સૌથી પહેલા આપણે એ શૂરવીરોને યાદ કરીએ છીએ, જેમણે માતૃભૂમિને વિદેશી શાસનની બેડિયોમાંથી મુક્ત કરાવવા માટે સૌથી મોટું બલિદાન આપ્યું. લોકો તે સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી કેટલાક વિશે જાણે છે, પરંતુ તેમાંથી ઘણા વિશે તેઓ જાણતા ન હતા. આ વર્ષે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ મનાવામાં આવે છે. તેઓ એવા અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક છે, જેમની ભૂમિકાને  રાષ્ટ્રીય ઇતિહાસના સંદર્ભમાં યોગ્ય મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.’

Leave a comment