યુનિફાઇડ પેન્શન સ્કીમનું ગેઝેટ જાહેર

કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2024માં પેન્શનને લઈને મોટો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી હતી. હવે જૂની અને નવીની જગ્યાએ UPS શરૂ કરવામાં આવશે. આજે કેન્દ્ર સરકારે આ વિશે 15 પેજનું ગેઝેટ જાહેર કરી દીધું છે.

હવે જૂની અને નવી પેન્શન યોજનાને બદલે UPS શરૂ કરવામાં આવશે. જે મુજબ કમસે કમ 25 વર્ષની નોકરી પછી બેઝિક પેમેન્ટના 50% રકમ UPS હેઠળ મળશે એટલે કે આ રકમ પેન્શન તરીકે આપવામાં આવશે. 10 વર્ષની સર્વિસ પછી, ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા પેન્શન તરીકે મળશે.

કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ વિશેનો નિર્ણય લીધો ત્યારે અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ નવી પેન્શન યોજનાથી કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને ફાયદો થશે. આ યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે.

હાલના કેન્દ્ર સરકારના NPS કર્મચારીઓનને પણ UPS પર સ્વિચ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. નોંધનીય છે તે માર્ચ-2024માં સરકારે NPS સુધારવા માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ દેશ અને દુનિયાની ઘણી પેન્શન યોજનાઓનો અભ્યાસ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું, હવે કર્મચારીઓ પર કોઈ બોજ નહીં રહે. નવી પેન્શન યોજનામાં કર્મચારીએ તેના બેઝિક પગારના 10% યોગદાન આપવું પડશે અને સરકાર 14% આપે છે. સરકાર તેના તરફથી કર્મચારીના બેઝિક પગારના 18.5% યોગદાન આપશે.

ટીવી સોમનાથને કહ્યું કે NPS હેઠળ 2004થી અત્યાર સુધી નિવૃત્ત થયેલા અને હવેથી માર્ચ 2025 સુધી નિવૃત્ત થનારા કર્મચારીઓને પણ તેનો લાભ મળશે. તેઓ ફંડમાંથી પહેલાથી જ મેળવેલા અથવા ઉપાડેલા નાણાંને એડજસ્ટ કર્યા પછી ચુકવણી કરવામાં આવશે.

સરકારનું યોગદાન 14% થી વધારીને 18.5% કરવામાં આવે તો પ્રથમ વર્ષમાં 6250 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. આ ખર્ચ દર વર્ષે વધતો રહેશે.

માર્ચ 2024માં સરકારે તત્કાલિન નાણા સચિવ ટીવી સોમનાથન (તાજેતરમાં કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત)ની અધ્યક્ષતામાં NPSમાં સુધારા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ વિશ્વભરના દેશોની પેન્શન યોજનાઓ સહિત આંધ્રપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા સહિતનો પણ અભ્યાસ કર્યો છે.

તેમાં સામે આવ્યું છે કે સરકાર 40-45% પેન્શનની ખાતરી આપી શકે છે. આ પછી, તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને છેલ્લા પગારના 50% પેન્શનની ખાતરી આપી શકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, જો નિવૃત્તિ પહેલા કર્મચારીનો છેલ્લો પગાર 50 હજાર રૂપિયા હોય, તો સરકાર તેને દર મહિને 25 હજાર રૂપિયા પેન્શન આપવાની યોજના બનાવી રહી છે.

Leave a comment