અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ભારત-ઈઝરાયલ વચ્ચેના વ્યાપારીક સબંધો બધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઇઝરાયલના રાજદૂત રુવેન અઝાર સાથે મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર ગૌતમ અદાણીએ કહ્યું કે અદાણી ગ્રુપ ઇઝરાયલ સાથે સ્થાયી ભાગીદારી અને રોકાણ ચાલુ રાખવા પ્રતિબદ્ધ છે. તેમણે ઇઝરાયલ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ દ્વિપક્ષીય સંબંધોને વધારવામાં હાઇફા પોર્ટ અને અદાણી ઇઝરાયલ લિમિટેડની વ્યૂહાત્મક ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.
ગૌતમ અદાણીએ ટ્વીટર પર શેર કરતા કહ્યું કે, “ઇઝરાયલના રાજદૂત રુવેન અઝાર, રશેલ અઝાર અને તેમની ટીમ સાથે મુલાકાત કરવાનું સન્માન મળ્યું છે. ભારત-ઇઝરાયલ સહયોગને સમર્થન આપવા તેમજ ખાસ કરીને IMEC અને સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી સંદર્ભે ભૂમિકા ભજવવા તેમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.” હાઇફા પોર્ટ દ્વારા અદાણી ઇઝરાયલ લિમિટેડ સાથે અદાણી ગ્રુપ ઇઝરાયલ સાથે સ્થાયી ભાગીદારીમાં રોકાણ ચાલુ રાખવા અને વિસ્તરણ કરવા પ્રતિબદ્ધ છે.”
આ મુલાકાત બદલ રાજદૂત રુવેન અઝારે ગૌતમ અદાણીનો આભાર માનતા જણાવ્યું હતું કે, અમે આપની ઉદ્યોગસાહસિક ભાવના, ભારત પ્રત્યેના તમારા વિઝન અને ભારત-ઈઝરાયલ વચ્ચેના સંબંધો પ્રત્યેની પ્રતિબદ્ધતાથી પ્રેરિત છીએ. અદાણી ગ્રુપની ઇઝરાયલી કંપનીઓ સાથેના મજબૂત સંયુક્ત સાહસો અને હાઇફા પોર્ટમાં તેનું રોકાણ અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે.
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ ઇઝરાયલ સાથે અનેક પ્રકારના વ્યવસાય કરે છે. અદાણી ગ્રુપે બે વર્ષ પહેલાં 2023માં હાઈફા બંદરને 1.2 બિલિયન ડોલરમાં સત્તાવાર રીતે હસ્તગત કર્યું હતું. હાઇફા બંદર ઇઝરાયલનું શિપિંગ કન્ટેનર માટેનું બીજું સૌથી મોટું અને પ્રવાસી ક્રુઝ જહાજો માટેનું સૌથી મોટું બંદર છે. ઉપરાંત, અદાણી ગ્રુપ ઘણા અન્ય પ્રોજેક્ટ્સમાં ઇઝરાયલી કંપનીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) એક મહત્વપૂર્ણ પહેલ છે જે ભારતની દરિયાઈ સુરક્ષા અને યુરોપ અને એશિયા વચ્ચે માલની ઝડપી અવરજવરને વધારી શકે છે. અદાણી પોર્ટ્સ ભારતનું સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે પશ્ચિમ કિનારા પર સાત બંદરો અને ટર્મિનલ તેમજ પૂર્વ કિનારા પર આઠ બંદરો અને ટર્મિનલ્સ ધરાવે છે. દેશના કુલ પોર્ટ વોલ્યુમનો તે 27% હિસ્સો ધરાવે છે. કંપની કોલંબોમાં ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ અને તાંઝાનિયામાં દાર એસ સલામ પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ 2 પણ વિકસાવી રહી છે.
