અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં કાર્યરત બ્લડબેંક અને સક્ષમના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા નિયમિત રકતદાનની સંસ્કૃતિને ઉતેજન આપવા તેમજ રક્તદાન અંગે જાગૃતિ વધારવા તથા રક્તદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા રાષ્ટ્રીય રક્તદાતા માસની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે જાન્યુઆરી દરમિયાન ઉજવાતા રાષ્ટ્રીય રક્તદતા દિવસ પ્રસંગે રકતદાનની પ્રવૃત્તિને વક્તાઓએ માનવતાનો મોટો યજ્ઞ ગણાવાયો હતો.
બ્લડબેંકના આસિ.પ્રોફે. ડો.સુમન ખોજાએ આ તબ્બકે રક્તદાન પ્રત્યે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓને ખોટી ગણાવી સાચી સમજ આપી હતી અને કહ્યું કે, રક્તદાતાઓને સાચી હકીકતનો ખ્યાલ હોય તો જ સમાજમાં સાચો સંદેશ જવાનો છે. રક્તદાન અંગે જિજ્ઞાસુ તાલીમાર્થીઓના સવાલો અંગે સમજ આપી હતી.
બ્લડ બેંકના કાઉન્સેલર દર્શન રાવલે સક્ષમના વિદ્યાર્થીઓને રક્તદાન પ્રત્યે પ્રેરિત કરતા જણાવ્યું કે, દરેકે રક્તદાન કરવું જોઈએ કેમકે આપણે કે તમે ક્યારેય જાણતા નથી કે તમે કોઈના માટે કેટલા ઉપયોગી છો. જો તમારે સમાજમાં મહત્વની ભૂમિકા ભજવવી હોય તો રક્તદાન કરો અને અન્યોને પણ પ્રેરિત કરો એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે તાલીમાર્થીઓ માટે બ્લડ ગૃપ કેમ્પ યોજાયો હતો.બ્લડ બેંકના લેબ.ટેક.નિકેશ પોકાર અને નર્સિંગ વિભાગના મેહુલભાઈ દવેએ આ કાર્ય માટે જહેમત લીધી હતી. પ્રારંભમાં સક્ષમના ડો.પૂર્વી ગોસ્વામીએ આવકારી વકતાઓનો પરિચય આપ્યો હતો જ્યારે મનીષ બાવલે આભાર દર્શન કર્યું હતું.
