અદાણી સંચાલિત GAIMS જી.કે.જન. હોસ્પિ.ના મનોચિકિત્સકોએ મહિલાને કાલ્પનિક ભયમાંથી છુટકારો આપ્યો

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના મનોચિકિત્સકોએ સિઝોફ્રેનિયા અર્થાત મતિભ્રમ જેવા માનસિક રોગથી પીડિત મહિલાને હોસ્પિટલમાં જ ૨૦ દિવસની  ઘનિષ્ઠ સારવાર આપી મહિલાને  ભ્રામિક અવસ્થામાંથી દૂર કરી માનસિક સ્વસ્થતા પ્રદાન કરી  હતી.

જી.કે.જનરલ હોસ્પિટલના માનસિક રોગના નિષ્ણાત ડો.રિધ્ધિબેન ઠક્કર અને ડો.શિવાંગ ગાંધીના જણાવ્યા મુજબ આધેડ મહિલા કોઈ એક  કાલ્પનિક ભયથી પીડાતી હતી અને તેને એવો ભ્રમ હતો કે તેને કોઈ મારી નાખશે.આ સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તેનો ભ્રમ, મતિભ્રમમાં ફેરવાઈ ગયો હતો.

જેની વ્યાપક અસર મહિલાની મનોદશા ઉપર પડી હતી પરિણામે તેની રોજિંદી પ્રક્રિયા જેમકે શૌચ અને પેશાબ માટે સમય સ્થળનું ભાન રહેતું ન હતું. બૂમો પાડવી, ગાળ ગલોચ કરવી,અકારણ રડવું જેવી સ્થિતિ જોતાં સીઝોફ્રેનિયા હોવાનું નિદાન કરી દાખલ કાર્ય બાદ સઘન સારવાર શરૂ કરી દવા અને ઈન્જેકશન આપી ૨૦ દિવસની મહેનતના અંતે આધેડ મહિલાની સમજ શક્તિ જાગૃત થઈ અને રોજિંદી બાબતો પ્રત્યે સભાન બનતા રજા આપવામાં આવી. આ સારવારમાં ડો.નિસર્ગ પરમાર પણ જોડાયા હતા.

અત્રે નોંધવું જોઈએ કે, GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં સિઝોફ્રેનિયાની વધતી ઓછી અસરવાળા અંદાજે  ૨૫૦ દર્દીઓ સારવાર લે છે. 

સિઝોફ્રેનિયા કારણ,લક્ષણ અને ઉપાય

સિઝોફ્રેનિયા એક ગંભીર માનસિક બીમારી છે. મગજમાં કેટલાક રાસાયણિક સંકેતોમાં અસમતુલા થવાથી આ રોગ થાય છે. જેમાં વ્યક્તિના વિચાર અને ભાવના પ્રભાવિત થાય છે. જેથી ભ્રમ અને  મતિભ્રમની અવસ્થા ઊભી થાય છે, જેમાં વ્યક્તિ પોતાની રોજિંદા દરેક વ્યવહારમાં અસાધારણ વર્તન કરતું થાય છે. વ્યક્તિ પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે. આમ થવાનું કારણ આનુવંશિક માનવામાં આવે છે. આ રોગમાં દવા મહત્વનો ભાગ ભજવે છે.

Leave a comment