ગુજરાતમાં રેલવેટ્રેક પર સર્જાતા સિંહના અકસ્માતને ઘટાડવા રેલવેટ્રેક આસપાસ સિંહની અવરજવર પર AIથી નજર

ગુજરાતમાં રેલવેટ્રેક પર સર્જાતા સિંહના અકસ્માતને ઘટાડવા માટે રેલવે વિભાગે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો પિટિશનની સુનાવણી દરમિયાન રેલવે વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે 50 કિમીના વિસ્તારમાં AI બેઝ્ડ ઈન્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ડિવાઇસના કારણે રેલવેટ્રેકની 50 મીટરમાં સિંહ આવતાં જ ટ્રેનના પાઇલટ અને વન વિભાગના અધિકારીને જાણ થઈ જશે, જેથી સંભવિત અકસ્માતને નિવારી શકાશે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં ગુજરાતમાં એશિયાટિક સિંહોના અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. એ મુદ્દે આજે(શુક્રવારે) ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં રેલવે તરફથી જણાવાયું હતું કે રેલવેટ્રેકની 50 મીટરની આસપાસ સિંહોની અવરજવરનો અંદાજ લગાવવા ઇન્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસ નામનું વિશેષ મશીન લગાવવામાં આવશે, જેમાં ફાઇબર કેબલ જંગલમાંથી પસાર થતી રેલવેલાઈનને સમાંતર નાખવામાં આવશે, જેથી સિંહોની અવરજવરની અગાઉથી રેલવે પાયલોટ અને વન વિભાગના અધિકારીઓને ખબર પડતાં અકસ્માત અટકાવી શકાશે. રેલ વિભાગે આ માટે ટેન્ડર જાહેર કર્યું છે. પહેલા 50 કિલોમીટર રેલલાઈનમાં પ્રાયોગિક ધોરણે એનો અમલ કરવામાં આવશે. પછી યોગ્ય પરિણામો મળતાં આગળ બીજાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.

અગાઉ આ કેસની સુનાવણીમાં કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે 12 જુલાઈની છેલ્લી સુનાવણી બાદ પણ બે ઘટના બની છે, જેમાં એક ઘટનામાં એક સિંહણ અને બે સિંહબાળનાં કંકાલ શંકાસ્પદ હાલતમાં મળ્યાં છે. તો લિલિયા અને અમરેલી વચ્ચેની રેલલાઈનમાં ગત 25 જુલાઈના રોજ પેસેન્જર ટ્રેન સાથે એક 09 વર્ષીય સિંહ અથડાયો હતો, જેને ગંભીર ઇજાઓ થતાં એનું મોત થયું છે. મોતનું યોગ્ય કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે. વળી, આ જ ટ્રેન પરત ફરતાં વધુ એક સિંહ સાથે અકસ્માત થયો હતો. આ એજ ટ્રેક છે, જેની ઉપર હાઇકોર્ટમાં ચર્ચા થતી હતી અને સિંહોનો હોટસ્પોટ વિસ્તાર છે. વન વિભાગ તરફથી ફાઇલ થયેલા એફિડેવિટમાં ટ્રેન સાથે થયેલા 25 જુલાઈના અકસ્માત બાબતે માહિતી આપવામાં આવી હતી. જ્યારે સિંહણ અને તેના બચ્ચા વિશેના મૃત્યુની માહિતી નહોતી. જેથી કોર્ટ ગુસ્સે ભરાઈ હતી. વન વિભાગે જણાવ્યું હતું કે 25 જુલાઈના અકસ્માતમાં ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કોર્ટે પૂછ્યું હતું કે SOP બન્યા બાદ કેવી રીતે અકસ્માત બન્યો? કોર્ટે આ અંગે સરકારનો ખુલાસો માગ્યો હતો, જોકે આજે તેની ઉપર વધુ ચર્ચા થઈ નથી. હાઇકોર્ટે અગાઉ હુકમ કર્યો હતો કે રેલવે અને વન વિભાગ ભેગા મળીને એક હાઇલેવલ કમિટી બનાવે, જે સિંહોના આકસ્મિક મૃત્યુનાં કારણો અને એને અટકાવવાના ઉપાયો શોધીને એક SOP બનાવે, જેમાં રેલવેએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ 10 સભ્યની એક કમિટી બનાવવામાં આવી છે. એમાં 05 સભ્યો વન વિભાગના અને 05 સભ્યો રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે.

અગાઉની સુનાવણીમાં કોર્ટે ત્રણ માહિતી વન વિભાગ પાસે માગી હતી, જેમાં રેલવેટ્રેક ઉપર સિહોનાં મૃત્યુને અટકાવવા SOP, મીટર ગેજને બ્રોડગેજમાં ફેરવવા માટે યોગ્યતા જોવી અને જે અકસ્માતોમાં સિહોનાં મૃત્યુ થયાં છે એની તપાસ કરવી. કોર્ટને માહિતી આપવામાં આવી હતી કે રેલવે અને જંગલ વિભાગના સેક્રેટરીએ એક હાઈ લેવલ કમિટી બનાવી છે. આ હાઈ લેવલ કમિટીમાં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ફોરેસ્ટ, ચીફ વાઇલ્ડલાઈફ વોર્ડન, પ્રિન્સિપલ ચીફ સિગ્નલ એન્જિનિયર વેસ્ટર્ન રેલવે, પ્રિન્સિપલ ચીફ ઈલેક્ટ્રિક એન્જિનિયર વેસ્ટર્ન રેલવે, પ્રિન્સિપલ ચીફ એન્જિનિયર વેસ્ટર્ન રેલવે, રિપ્રેઝન્ટેટિવ ઓફ મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્નમેન્ટ, એડિશનલ જોઈન્ટ ડેપ્યુટી સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયર્નમેન્ટ, ડિવિઝન રેલવે મેનેજર ભાવનગર અને ચીફ કન્ઝર્વેટર ફોરેસ્ટનો સમાવેશ થાય છે.

કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે છેલ્લાં 05 વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 523થી વધીને 674 પહોંચી છે, જે 29%નો વધારો સૂચવે છે. SOPની અંદર ગીરનાં જંગલોમાં સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી ટ્રેનની સ્પીડ ઘટાડવાની વાત છે, સિંહોના કોરિડોરમાં અંડરપાસ બનાવવાની વાત છે, રેલવેટ્રેક કે એની આજુબાજુમાં દેખાય તો તરત પગલાં લેવા માટેનું મિકેનિઝમ ગોઠવવામાં આવ્યું છે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ સિંહોને બચાવવા માટે કરવામાં આવશે, રેલવે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે, સમયાંતરે રિવ્યૂ મિટિંગ યોજવામાં આવશે, સિંહોના હોટસ્પોટ વિસ્તારોમાં ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, સિંહોના ટ્રેકરને વોકીટોકી, મોબાઇલ વગેરે સાધનો આપવામાં આવ્યાં છે. ફોરેસ્ટ વિભાગનો એક કર્મચારી ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસે ઉપસ્થિત રહેશે. સિંહોની વિગતો વ્હોટ્સેપ ગ્રુપ દ્વારા શેર કરવામાં આવશે.

હાઇ લેવલ કમિટી ઉપરાંત શેત્રુંજી, રાજુલા, ગીર અને સાવરકુંડલા માટે એક જોઈન્ટ કમિટી બનાવવામાં આવી છે, જે દર મહિનાના પહેલા અઠવાડિયે મિટિંગ કરશે. બીજી ડિવિઝનલ ઝોન કમિટી બનાવવામાં આવી છે, જેમાં ટ્રેનની સ્પીડ ઘટાડવા અને લાયન ટ્રેકર સિંહ પર વોચ રાખશે. દર મહિનાના પહેલા અઠવાડિયામાં એની મિટિંગ મળશે. ત્રીજી સર્કલ લેવલની કમિટી બનાવવામાં આવી છે, જે દર ત્રણ મહિને મિટિંગ યોજશે અને ત્યાર બાદ યોગ્ય પરિણામ મળતાં વર્ષમાં બે વખત મિટિંગ યોજશે. આ કમિટીઓમાં રેલવે અને વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામેલ છે.

જો સિંહનો કોઈ ટ્રેન સાથે અકસ્માત થાય તો સર્કલ લેવલ કમિટી તરત તપાસ હાથ ધરશે. સ્પોટ ઉપર અધિકારી જશે તે ચીફ કન્ઝર્વેશન ફોરેસ્ટ ઓફિસરને પ્રાથમિક રિપોર્ટ આપશે. 24 કલાકમાં આ કામગીરી કરવામાં આવશે. બાદમાં ડિટેલ રિપોર્ટ ત્રણ અઠવાડિયાંની અંદર આપવામાં આવશે. ઉપરાંત સ્ટેશન માસ્ટર, લોકો પાયલોટ અને સિંહોના ટ્રેકરની સમયાંતરે મિટિંગ મળશે. તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ગીર વનમાં સિંહોની ઉપસ્થિતિના હોટસ્પોટ દર્શાવતાં 49 સાઈન બોર્ડ મૂકવામાં આવ્યાં છે. પીપાવાવ, રાજુલા, જામનગર ટ્રેકનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. સિંહોને ટ્રેક કરવા કુલ 23 વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે.

Leave a comment