ભુજમાં અદાણી સ્કિલ ડેવ. અને રામકૃષ્ણ મઠ ભુજના સંયુક્ત ઉપક્રમે યુથ ડે ની  ઉજવણી

ભુજના રામકૃષ્ણ મઠ અને અદાણી સ્કિલ ડેવલપમેન્ટના સંયુક્ત ઉપક્રમે ૧૨મી જાન્યુ. રાષ્ટ્રીય યુવા દિવસ, જેને સ્વામી વિવેકાનંદના જન્મદિન તરીકે પણ ઓળખાય છે તેની આગોતરી ઉજવણી અદાણી મેડિકલ કોલેજના વ્યાખ્યાન ખંડમાં મઠના અધ્યક્ષ સ્વામી સુખાનંદના વડપણ હેઠળ કરવામાં આવી હતી.

સ્વામીજીએ આ પ્રસંગે ઉપસ્થિત અદાણી સ્કિલ ડેવ. ભુજ ખાતે નર્સિંગ આસિસ્ટન્ટનો અભ્યાસ કરતા જી.ડી.એ.ના યુવા વર્ગને ઉદ્બોધન કરતા કહ્યું કે, માનવીનું પ્રત્યેક કાર્ય પૂજા છે, તેમાંય નર્સિંગનું કામ તો માનવસેવાથી જોડાયેલું છે, ત્યારે દર્દીની સેવા ઈશ્વરનું કાર્ય માનીને કરવા નર્સિંગનાં યુવાનોને તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે નર્સિંગ પ્રોફેસનને ઉમદા ગણાવ્યું હતું.

સ્વામીજીએ દરેક યુવાનોને આત્મવિશ્વાસ કેળવવા ઉપર ભાર મૂકી જણાવ્યું કે, જાત પરનો વિશ્વાસ જ યુવાનોની સાચી મુડી છે, જેમને પોતાનામાં વિશ્વાસ નથી એ નાસ્તિક છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે યુવાનોને વર્તમાનમાં જીવવાની શીખ આપતા કહ્યું કે, આજે જેવું બોલશો, વિચારશો અને સાંભળશો એવું તમારું ચારિત્ર્ય બનશે.

પ્રારંભમાં તાલીમાર્થીઓ તમન્ના પઠાણ, સાક્ષી બલદાણિયા, સાક્ષી પટેલે સ્વામી વિવેકાનંદના જીવન કવન ઉપર પ્રકાશ પાડ્યો હતો. સક્ષમના જુનિયર ઓફિસર ડો પૂર્વી ગોસ્વામીએ અભિવાદન સાથે સ્વામી વિવેકાનંદના કચ્છના પ્રવાસનું વર્ણન કર્યું હતું. અતિથિ વિશેષ પદે બકુલેશભાઈ ધોળકિયા હાજર રહ્યા હતા, સ્વાગત સંચાલનની ભૂમિકા સક્ષમના ટ્રેનીંગ એસોસિયેટ મનીષ બાવલે તથા કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થીઓ કેવલ સોની અને કુમુદ ગરોડાએ કર્યું હતું.

Leave a comment