દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતની મહત્ત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન માટે પ્રતિબંધ લગાવાયો છે. બેરિકેડ્સ ગોઠવી કોઇપણ યાત્રિક અહીં ન આવે એનું ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે, જોકે બેટ દ્વારકામાં જે મંદિર છે એની સેવાપૂજાનો કાર્યક્રમ યાથાવત્ રાખવામાં આવ્યો છે.
ઓખામંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ઓક્ટોબર 2022 માસમાં હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરનાં દબાણો હટાવાયાં હતાં, એ બાબત સમગ્ર રાજ્યમાં નોંધનીય બની રહી હતી. આ પછી બીજા રાઉન્ડમાં યાત્રાધામ હર્ષદ, ભોગાત વગેરે સ્થળોએ પણ માર્ચ 2023ના સમયગાળામાં રેવન્યુ વિભાગ દ્વારા પોલીસતંત્રને સાથે રાખીને ધાર્મિક તેમજ રહેણાક-કોમર્શિયલ દબાણોનો કડૂસલો બોલાવી દીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા નિતેશ પાંડે્યની સીધી દેખરેખ તેમજ માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલી આ દબાણ હટાવ ઝુંબેશ આવકારદાયક બની હતી.
યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં રહેલાં વ્યાપક દબાણ અંગે કરવામાં આવેલા સર્વે તેમજ જરૂરી કાનૂની પ્રક્રિયા બાદ આજથી બેટ-બાલાપર વિસ્તારમાં આ પ્રકારનાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે, જેમાં ગેરકાયદે ધાર્મિક દબાણો, કેબિનો અને મકાનોને દૂર કરવામાં આવી રહ્યાં છે.
દ્વારકા એસડીએમ અમોલ આવટેએ જણાવ્યું હતું કે દ્વારકા અને બેટ દ્વારકામાં જે કોરિડોરના પ્રોજેક્ટ છે એને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ છેલ્લા 15 દિવસમાં 250 નોટિસ આપી હતી. એને અનુસંધાને દ્વારકાનું જે લાઇટ હાઉસ છે ત્યાં 150 સ્ક્વેર મીટરની જમીન ખાલી કરાવાઇ છે, જેની અંદાજિત કિંમત દોઢ કરોડ છે. એ બાદ દ્વારકા હાથીગેટ પાસે જે ગેરકાયદે બાંધકામ હતાં, જેમાં 200 સ્ક્વેર મીટરની જમીન, જેની કિંમત 3 લાખ થાય છે એને 3/1/2024ના ખાલી કરાવાઇ હતી. એ બાદ મેઇન રોડ દ્વારકા જેના પર અંદાજિત 500 સ્ક્વેર મીટરની જમીન ઉપર જે ગેરકાયદે દબાણ થયું હતું એને પણ 3/1/2024ના રોજ ખાલી કરાવાયું હતું. એની કિંમત અંદાજિત 5 કરોડ રૂપિયા છે.
આજ સવારથી બેટ દ્વારકામાં અત્યારસુધી 35 ઘરનું ડિમોલિશન થયું છે, જે ગૌચર જમીન પર હતાં. આ લોકોને 3 તારીખે પહેલી નોટિસ આપવામાં આવી હતી. એ બાદ 7 તારીખે બીજી નોટિસ આપવામાં આવી હતી તેમજ 8-9 તારીખે જનસુનાવણી પણ થઇ હતી. એમાં અસરગ્રસ્તો પાસેથી દસ્તાવેજ લેવામાં આવ્યા હતા અને એને નગરપાલિકાએ વેરિફાઇ કર્યા હતા. સવારથી લઇ અત્યારસુધી અંદાજિત 40 ઘર ડિમોલિશન કરવામાં આવ્યાં છે, જેની કિંમત 70 લાખ રૂપિયા છે.
કેટલાંક બાંધકામ છે, જે ધર્મને લગતાં છે. એમાં કબ્રસ્તાનને લઇને કોઇ બાંધકામ છે. આ ઉપરાંત કેટલાંક બાંધકામ છે, જે મંદિરની આજુબાજુ છે. એને અમે ડિમોલિશન કરી દીધાં છે, જોકે આ સિવાય કેટલાંક બાંધકામો છે, જેને લઇ ગઇકાલે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. એને અમે હજુ સુધી ટાર્ગેટ નથી કર્યાં. હાઇકોર્ટની સુનાવણીની તારીખ 20/1/2024 છે. એ બાદ જે કાર્યવાહી કરવાની થશે એ કરીશું.
આજે સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં ઓખામંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે 450 જેટલા આસામીને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેગા ડિમોલિશન માટે બેટ દ્વારકા સહિત તમામ સ્થળોમાં કામગીરી હેતુ જેસીબી, બુલડોઝર, ટ્રેક્ટર વગેરે યાંત્રિક સામગ્રીઓને સજ્જ કરી દેવાઈ છે. આ પૂર્વે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે્યની રૂબરૂ ઉપસ્થિતિમાં જિલ્લાના દ્વારકા અને ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ જિલ્લાભરનો પોલીસકાફલો પી.આઇ., પી.એસ.આઇ, ઉપરાંત એસ.આર.પી. અને મહિલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે 1000 જેટલા સુરક્ષાકર્મીને ડિમોલિશનના સ્થળે તહેનાત કરવામાં આવી દીધા હતા. આટલું જ નહીં, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી.
બેટ દ્વારકામાં આશરે એકાદ વર્ષ પૂર્વે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કરાયા બાદ ત્યાં પુનઃ દબાણો થઈ ગયા હોય, જે તંત્રને ધ્યાને આવેલા હોય, આવા પુનઃ થયેલા દબાણોને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદે બનેલા કાચા-પાકા મકાનો તથા કોમર્શીયલ બાંધકામોને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવનાર છે. હાલ આગલી સૂચના ના મળે ત્યાં સુધી બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
