રિવરફ્રન્ટ પર આકાશમાં રંગબેરંગી પતંગો છવાયા

ગુજરાતની આગવી ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો આજ(11 જાન્યુઆરી)થી રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા પતંગોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. મુખ્યમંત્રીએ પણ પતંગ પર હાથ અજમાવ્યો હતો. અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા માટે દેશનાં 11 રાજ્યમાંથી 52 અને 47 દેશમાંથી 143 પતંગબાજો આવી પહોંચ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટના આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલા જોવા મળ્યા હતા. અવનવા પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યાં હતાં.

અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગો મહોત્સવને માણવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરા કઝાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા હતા.

ઇન્ડોનેશિયાના પતંગબાજો દ્વારા સેંકડો વર્ષ જૂનો પતંગ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આપ્યો હતો. ઇન્ડોનેશિયાના એક આઇલેન્ડ પર આ પતંગ બનાવવામાં આવ્યો હોવાનું પતંગબાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ડેનમાર્કથી આવેલી એમા નામની યુવતીએ જણાવ્યું હતું કે પતંગ મહોત્સવનું ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ વિશાળ જગ્યામાં આ આયોજન કરવામાં આવ્યું છે. આજે હવા સહેજ પણ નથી અને પતંગ ચગી રહ્યા નથી. ગઈકાલે રાત્રે અમે અમદાવાદ આવ્યા છીએ અને અહીંયાના લોકો ખૂબ સારા છે. મદદ કરી રહ્યા છે. અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ.

Leave a comment