અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલમાં સર્જરી વિભાગે ૨ વર્ષના માસુમ બાળકના આંતરડામાં દબાણને કારણે પાચનતંત્ર વિક્ષેપિત થઇ જવાને કારણે અને ચેપ જેવી સર્જાયેલી જટિલતાથી બચવા આંતરડાના દબાણગ્રસ્ત ભાગનું ઓપરેશનથી (રીસેક્શન એન્ડ એનેસ્ટોમોસિસ) દૂર કરી બે ચેનલોને જોડી એ ભૂલકાને બચાવી લીધો.
હોસ્પિટલના સર્જન ડો. હર્ષ શેઠના જણાવ્યા મુજબ ખાવડા ગામના બાળકને અત્રે લાવવામાં આવ્યું ત્યારે પેટમાં અસહ્ય દુખાવો હતો, ઉલટી, સખત કબજિયાત પણ હતું. પ્રથમ નજરે આંતરડામાં ચેપ હોવાનું નિદાન કર્યું. ત્યારબાદ બાળકનું સિટી સ્કેન કરાવતા પેટનો ભાગ આંતરડા સાથે ચોટી ગયો હોવાથી દબાણ ઊભું થયું હતું. અને આંતરડામાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું જે ક્રમશ આખા શરીરમાં પ્રસરતું હતું.
તબીબોએ બાળકને ત્રણ દિવસ દવા પર રાખ્યું છતાં કોઈ સુધારો ન જણાતા અંતે ઓપરેશન કરવાનો નિર્ણય લઈ દબાણ વાળા ભાગને હટાવી આંતરડાની બે ચેનલોને જોડી સફળ ઓપરેશન સાથે બાળકને બચાવી લેવાયો.આ શસ્ત્રક્રિયામાં ડો. કિશન મીરાણી, ડો. જય ચોટાઈ અને ડો. નફીઝા સુરતી જોડાયા હતા.
બાળકને દસ દિવસની સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.જો શસ્ત્રક્રિયા ન થાય તો ચેપ શરીરમાં ફેલાઈ શકે અને બાળકનો જીવ પણ જોખમમાં આવી શકે.
આંતરડામાં અવરોધનું કારણ:
આંત્ર અવરોધ સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિઓમાં જોવા મળે છે. બાળકોમાં આવા કેસ જવલ્લેજ દેખાતા હોય છે. જ્યારે ભોજન અથવા કોઈ પ્રવાહી પદાર્થ આંતરડામાં આગળ વધી ન શકે તે તો તેને આંતરડાનો અવરોધ કહે છે. ક્યારેક તેમાં ગાંઠ હોય હર્નીયા હોય તો પણ આવું થઈ શકે. જ્યારે બાળકમાં ખાસ કરીને વાસાગત અગર તો બાળકને બાળપણમાં માતાનું દૂધ ન મળ્યું હોય તો પણ આંતરડામાં અવરોધ ઉત્પન્ન થઈ શકે.
