સિડની ટેસ્ટ રોમાંચક થઈ, ટીમ ઈન્ડિયાની 145 રનની લીડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાઈ રહી છે. મેચનો બીજો દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો. આજે કુલ 15 વિકેટ પડી અને 300થી વધુ રન બન્યા. એકંદરે બીજો દિવસ બોલરોના નામે રહ્યો અને બેટર્સ ફરી સંઘર્ષ કરતા જોવા મળ્યા. તેમ છતાં ભારત આ મેચમાં આગળ છે. સ્ટમ્પ્સના સમયે ભારતીય ટીમનો સ્કોર 141/6 છે. રવીન્દ્ર જાડેજા 8 રને અને વોશિંગ્ટન સુંદર 6 રને અણનમ પરત ફર્યા છે. ભારતની કુલ લીડ 145 રન છે.

આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 185 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પહેલી ઇનિંગમાં 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતે બીજા દાવમાં મજબૂત શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં સ્ટાર્કની પહેલી જ ઓવરમાં 16 રન ફટકાર્યા હતા. પરંતુ ભારતીય ટીમને પહેલો ફટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો, જેને સ્કોટ બોલેન્ડે બોલ્ડ કર્યો હતો. રાહુલ અને યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટ માટે 45 બોલમાં 42 રનની ભાગીદારી થઈ હતી. રાહુલના આઉટ થયા બાદ યશસ્વી (22) પણ બોલેન્ડનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી (6)નું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું અને તેણે ફરીથી બોલને ઓફ-સ્ટમ્પની બહાર રમવામાં આઉટ થયો હતો. કોહલી બોલેન્ડની બોલિંગમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. શુભમન ગિલ પણ 13 રન બનાવીને બ્યુ વેબસ્ટરનો શિકાર બન્યો હતો.

78 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ રિષભ પંતે ભારતીય ઇનિંગની કમાન સંભાળી હતી. પંતે માત્ર 29 બોલમાં ચોગ્ગા-છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પેટ કમિન્સે પંતની તોફાની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. ઓફ-સ્ટમ્પની બહારને પંત કટ શોટ રમવા ગયો, જેમાં તે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચઆઉટ થયો હતો. પંતે 33 બોલમાં 6 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડીએ (4) બીજા દાવમાં પણ નિરાશ કર્યા હતા. તેણે ખૂબ જ બિનજરૂરી શોટ રમ્યો અને બોલેન્ડના બોલ પર કમિન્સના હાથે કેચ આઉટ થયો.

જસપ્રીત બુમરાહ હાલમાં આ મેચમાં મેદાનની બહાર છે. તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે દિવસના અંત પહેલાં તે ફરી પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહની જગ્યાએ વિરાટ કોહલીએ કમાન સંભાળી હતી.

સ્ટમ્પ્સ ડિક્લેર કરી દીધું છે. ભારતીય ટીમનો સ્કોર 141 રન છે. ટીમ ઈન્ડિયાએ કુલ 145 રનની લીડ મેળવી લીધી છે. રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર અણનમ પરત ફર્યા છે. દિવસનું છેલ્લું સત્ર ઓસ્ટ્રેલિયાના નામે રહ્યું હતું. 32 ઓવરના આ સેશનમાં ભારતે 6 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા.

Leave a comment