અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન (APSEZ) ના ડિસેમ્બરના કુલ કાર્ગો વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 8%નો વધારો નોંધાયો છે. કંપનીએ કન્ટેનર વોલ્યુમમાં 22% અને લીક્વીડ અને ગેસમાં વાર્ષિક ધોરણે 7% નો ઉમેરો કરી કુલ 38.4 મિલિયન મેટ્રિક ટન (MMT) રેકોર્ડ કર્યો છે. જ્યારે લોજિસ્ટિક્સ રેલ વોલ્યુમમાં 0.48 મિલીયન TEUs (+9% YoY) અને GPWIS 16.1 MMT વોલ્યુમ્સ (+13%) નોંધાયુ હતું.
અદાણી પોર્ટસ મુન્દ્રા મરીન ટીમની નોંધપાત્ર સિદ્ધિઓની વાત કરીએ તો, 2024માં સતત ચોથા મહિને મરીન વિભાગે જહાજો હેન્ડલ અને મુવમેન્ટ્સ કરવામાં રાષ્ટ્રીય રેકોર્ડ્સ તોડ્યા છે. સપ્ટેમ્બરમાં 380 જહાજો અને 783 મુવમેન્ટ્સ, ઓક્ટોબરમાં 393 જહાજો અને 823 મુવમેન્ટ્સ, નવેમ્બરમાં 396 જહાજો અને 845- મુવમેન્ટ્સ તો ડિસેમ્બર 406 જહાજો અને 876 મુવમેન્ટ્સના વિક્રમો સર્જ્યા છે.
આ તરફ તુણા પોર્ટે પણ ડિસેમ્બર 2024 માં નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યાં છે. માર્ચ 2024 માં સેટ કરેલા 15 જહાજોના અગાઉના રેકોર્ડને વટાવીને તુણાએ કુલ 18 જહાજો સાથે એક મહિનામાં અત્યાર સુધીની સૌથી વધુ જહાજોનું હેન્ડલિંગ કર્યું છે.
ગત અઠવાડિયે અદાણી પોર્ટ્સે રૂ.450 કરોડના અત્યાધુનિક આઠ હાર્બર ટગ્સ માટે કોચીન શિપયાર્ડને ઓર્ડર આપ્યો હતો. અદાણી પોર્ટ્સનો આ ઓર્ડર મેક ઈન ઈન્ડિયા હેઠળ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે. કંપની પ્રવક્તાના જણાવ્યા અનુસાર કંપનીનું લક્ષ્ય વિશ્વ કક્ષાની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓનો લાભ લઈને ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલમાં યોગદાન આપવાનો છે.
અદાણી પોર્ટ્સે અગાઉ કોચીન શિપયાર્ડને 62 ટનના બે ટગના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે બંને સમય પહેલાં ડિલિવરી કરવામાં આવી હતી અને પારાદીપ પોર્ટ અને ન્યૂ મેંગલોર પોર્ટ ખાતે તૈનાત કરવામાં આવી હતી.
APSEZ દ્વારા 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક થકી મુખ્યત્વે ડોમેસ્ટિક કાર્ગોમાં 12% ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ થવાની ધારણા છે, જ્યારે દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વ જેવા મુખ્ય બજારોમાં સ્થાનિક ઓપરેટરો સાથે ભાગીદારી દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્ગો પણ વૃદ્ધિ પામશે.
