કેલેન્ડર વર્ષમાં આઈપીઓ બજારની ધૂમ જોવા મળી હતી. ગત કેલેન્ડર વર્ષમાં અનેક કંપનીઓએ આઈપીઓ દ્વારા રેકોર્ડ ફંડ એકત્ર કરીને માર્કેટમાં પદાર્પણ કર્યું હતુ. નવા કેલેન્ડર વર્ષ માટે પણ રિલાયન્સ જિયો, એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા, એથર એનર્જી સહિતની અનેક કંપનીઓ ભંડોળ એકત્ર કરવા માર્કેટમાં ઉતરશે. જોકે એક અહેવાલ અનુસાર આ નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ૨૫ કંપનીઓનો પાઈપલાઈનમાં છે.
રિપોર્ટ અનુસાર ૨૦૨૫માં ઓછામાં ઓછી ૨૫ ન્યૂ એજ કંપનીઓ લિસ્ટ થવાની ધારણા છે. જો આ તમામ કંપનીઓનું લિસ્ટિંગ થશે તો એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ આઈપીઓનો નવો રેકોર્ડ બનશે. આ અગાઉ ૨૦૨૪માં ૧૩ સ્ટાર્ટઅપ કંપનીઓએ શેરબજારમાં પદાર્પણ કર્યું હતું.
રિપોર્ટ અનુસાર એથર એનર્જી, એરિસઈન્ફ્રા, અવાન્સે, એય ફાઈનાન્સ, બોટ, બ્લુસ્ટોન, કારદેખો, કેપ્ટન ફ્રેશ, દેવેક્સ, ઈકોમ એક્સપ્રેસ અને ફ્રેક્ટલ જેવી સ્ટાર્ટઅપ કંપનીઓના આઇઓપીઓ ૨૦૨૫માં આવવાની સંભાવના છે.
આ સિવાય ઈન્ફ્રા.માર્કેટ, ઈનોવેટી, ઈન્ક્રેડ, ઈન્ડિક્યુબ, ઓફબિઝનેસ, ફિઝિક્સવાલા, પે-યુ, પાઈન પેલ, ઉલ્લુ ડિજિટલ, શેડોફેક્સ, સ્માર્ટવર્ક્સ, ઝેપફ્રેશ, ઝેપ્ટો અને ઝેટવેર્ક અન્ય સ્ટાર્ટઅપ કંપનીઓ જેઓની આઈપીઓ બહાર પાડવાની યોજના છે.
૨૦૨૪ અને અગાઉ લિસ્ટ થયેલ સ્ટાર્ટપને સેકન્ડર માર્કેટમાં મજબૂત પ્રતિસાદ મળશે અને મહત્વનું કે આ કંપનીઓ સારૂં નાણાંકીય પરફોર્મન્સ આપશે તો આગામી લિસ્ટિંગ માટે તત્પર સ્ટાર્ટઅપ કંપનીઓ માટે માર્ગ મોકળો બનશે અને રોકાણકારોનો વિશ્વાસ જોઈએને એન્ટરપ્રોન્યોર આઈપીઓ માટે પ્રેરાશે.
ગયા વર્ષે ૨૦૨૪માં ૧૩ સ્ટાર્ટઅપ કંપનીઓએ આઈપીઓ થકી સામૂહિક રીતે રૂ. ૨૯૦૦૦ કરોડ (લગભગ ૩.૪ બિલિયન ડોલર) એકત્ર કર્યા હતા, જેમાં સ્વિગી, ઓલા ઇલેક્ટ્રિક અને ફર્સ્ટક્રાય જેવી કંપનીઓને અદભૂત પ્રતિસાદ મળ્યો હતો. આ પહેલાના વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ નિસ્તેજ રહ્યાં હતા, જ્યારે માત્ર બે અને પાંચ સ્ટાર્ટઅપ્સે જ શેરબજારમાં પદાર્પણ કર્યું હતું.
