વિદેશ જનારાનો 19 પ્રકારનો અંગત ડેટા લેશે કેન્દ્ર સરકાર

ભારત સરકાર વિદેશ જતા લોકો પાસેથી 19 પ્રકારની અંગત માહિતી એકત્ર કરશે. આમાં મુસાફરો ક્યારે, ક્યાં અને કેવી રીતે મુસાફરી કરી રહ્યા છે તેનો સમાવેશ થાય છે; તેનો ખર્ચ કોણે અને કેવી રીતે ઉઠાવ્યો; કોણ કેટલી બેગ સાથે ગયા, ક્યારે અને કઈ સીટ પર બેઠા; તેવી માહિતી લેવામાં આવશે.

આ ડેટા 5 વર્ષ માટે સ્ટોર કરવામાં આવશે. જો જરૂરી હોય તો, તે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે પણ શેર કરી શકાય છે. 1 એપ્રિલથી તેનો અમલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે તમામ એરલાઈન્સને સૂચના આપવામાં આવી છે.

દાણચોરી પર નજર રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગ સમયાંતરે ડેટાનું વિશ્લેષણ કરશે. જો કોઈ પણ વ્યક્તિના વિદેશ પ્રવાસમાં કોઈ શંકાસ્પદ પેટર્ન જણાય તો તરત જ તપાસ શરૂ કરી શકાય છે.

એરલાઇન્સ માટે મુસાફરોનો આ ડેટા કસ્ટમ વિભાગ સાથે શેર કરવો ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ હવે વિદેશી રૂટ ધરાવતી તમામ એરલાઇન્સને 10 જાન્યુઆરી સુધીમાં નવા પોર્ટલ ‘NCTC-PAX’ પર નોંધણી કરવા જણાવ્યું છે.

સરકાર નોંધણી પછી 10 ફેબ્રુઆરીથી કેટલીક એરલાઇન્સ સાથે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડેટા શેરિંગ બ્રિજ શરૂ કરવા માગે છે. આ પછી, આ સિસ્ટમ 1 એપ્રિલથી સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે.

બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ડેટા કલેક્શનનો નિયમ 2022થી અમલમાં હતો, પરંતુ હવે તેને ફરજિયાત બનાવવામાં આવી રહ્યો છે.

Leave a comment