કચ્છમાં ડંખિલા ઠારથી જિલ્લાનું વાતાવરણ સતત ઠંડુંગાર બની રહ્યું છે. આજે જિલ્લા મથક ભુજનું લઘુતમ તાપમાન 10 ડીગ્રીએ યથાવત રહેતા રાત્રિથી સવાર સુધી શહેરીજનોને ભારે ઠંડીનો અનુભવ થયો હતો. કામકાજથી ઘર બહાર નીકળતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળ્યા હતા. ઠંડી વચ્ચે પણ ભુજ શહેરના જ્યુબિલિ સર્કલ પર ટ્રાફિક પોલીસ વાહન ચેકીંગ કરતી જોવા મળી હતી. બીજી તરફ સરહદે આવેલા નલિયામાં આજે 19માં દિવસે પણ 6 ડીગ્રીએ રાજ્યમાં સૌથી નીચું તાપમાન ધરાવતું મથક બન્યું હતું. ઠંડીની માર યથાવત રહેતા નલિયા અને આસપાસના સરહદી ગામોમાં સંધ્યાકાળથી સન્નાટાનો માહોલ છવાઈ જતો હોવાનું જાણવા મળ્યું હતું.
કચ્છમાં આ વર્ષે ઠંડીએ જાણે અડગપણે રહેવાનું નક્કી કર્યું હોય તેમ ડિસેમ્બર માસના પ્રારંભ સાથેજ એકધારી શીતળતા વાતવરણ માં વર્તાઈ રહી છે અને શિયાળાનો મિજાજ યથાવત રહેવા પામ્યો છે. ભૌગોલિક પરિસ્થિતિ અને વિવિધ પ્રાકૃતિક અસર હેઠળ દિવસે પણ ઠંડક વર્તાઈ રહી છે. ભુજ શહેરના તાપમાનનો ન્યૂનતમ પારો પણ ઘટીને 10 ડિગ્રીએ પહોંચી જતા સવારના સમયે લોકો રીતસરના ધ્રુજી ઉઠયા હતા અને સવાર તથા સાંજે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.અલબત્ત ઠંડીમાં શારીરિક ક્ષમતા જાળવી રાખવા લોકો સાથે અન્ય નાના મોટા જીવો પણ સવારે સૂર્ય સ્નાન કરતા જોવા મળી રહ્યા છે.
