ભુજમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રે જ્યુબિલી સર્કલ પર 100 જેટલા વાહનોને તપાસાયા

ગુજરાતમાં દારૂબંધીના કાયદાની અમલવારી માટે રાજ્યમાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને 31 ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત કેફીપીણાંનું સેવન તથા વેંચાણ થતું અટકાવવા કચ્છમાં પણ પોલીસ વિભાગ દ્વારા સધન કામગીરી હાથ ધરવામાં આવી છે. પશ્વિમ કચ્છ એસપી વિકાસ સુડા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા જાહેર માર્ગો ઉપર ખાસ વાહન ચેકીંગ ડ્રાંઇવ પણ યોજાઈ રહી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભુજના જ્યુબિલિ સર્કલ ખાતે ગત રાત્રિના 12 વાગ્યા સુધી તીવ્ર ઠંડી વચ્ચે ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વાહન ચેકીંગ અને વાહન ચાલકોને તપાસવની કામગીરી કરવામા આવી હતી.

આ અંગે ભુજ શહેર ટ્રાફિક પીઆઇ પીએમ રાજપૂતે જણાવ્યું હતું કે સાંજથી મોડી રાતના જ્યાં સુધી વાહન વ્યવહા ચાલુ રહ્યો હતો ત્યાં સુધી વાહનોને તપાસવની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન 100 જેટલા નાના મોટા વાહનોની તપાસ હાથ ધરાઈ હતી, તેમાં બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનીને નિયમની અમલવારી કરાવાઈ હતી સાથેજ કસૂરવાર વાહન ચાલકો પાસેથી રૂ. 4 હજારનો દંડ વસુલ કરાયો હતો. જ્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 116 વાહનોની તપાસ કરાઈ હતી અને રૂ.2 હજારનો દંડ વાહનચાલકો પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો. ભુજ શહેરમાં સી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા પણ જાહેર સ્થળો, બાગ બગીચા સહિતના સ્થળે તકેદારીના ભાગરૂપે તપાસ કરાઈ હતી અને શહેરીજનોને કોઈના તરફથી પરેશાની થતી હોય તો પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હોવાનું એએસઆઈ શીતલબેન નાઈએ જણાવ્યું હતું.

Leave a comment