ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ-વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે તે જોતાં ‘ઈતિહાસ મારા પ્રત્યેક મીડિયા-વિપક્ષ કરતાં દયાળુ રહેશે’ તેવું મનમોહન સિંહનું કથન સાચું પડયું છે. મનમોહનસિંહ દેશના પહેલા શીખ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ત્રણેય સૈન્ય દ્વારા તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમની અંતિમવિધિ નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજો સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ત્યાં હાજર રહ્યા હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ બોધ ઘાટ પહોંચી ગયો છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ પહોંચી ગયા છે. ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર થશે.
એઆઈસીસી ખાતેથી હવેથી પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ લઈ જવામાં આવી રહ્યો છે. તેમની અંતિમ યાત્રા શરૂ થઇ ચૂકી છે. ત્યાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. તેમની અંતિમ વિધિમાં વડાપ્રધાન મોદી પણ જોડાશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહને AICC ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેને એક કલાક માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત પીએમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અંતિમ વિદાય આપવા માટે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના હેડક્વાર્ટર પહોંચવા લાગ્યા છે. અત્યાર સુધીમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખ્ખુ, કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા પણ પહોંચી ગયા છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પાર્થિવ શરીરને ગુરુવારે મોડી રાતે તેમના નિવાસ લુટિયન્સ દિલ્હીના મોતીલાલ નહેરુ રોડ સ્થિત બંગલા નં.-3માં લવાયો હતો. ડૉ.સિંહના પરિવારમાં પત્ની ગુરશરણ કૌર અને ત્રણ પુત્રીઓ ઉપિંદર સિંહ, દમન સિંહ અને અમૃત સિંહ છે. તેમની બે પુત્રીઓ અમેરિકા હતી, જે શુક્રવારે રાતે દિલ્હી પહોંચી હતી.
શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સંસદીય પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના પ્રમુખ રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક દિગ્ગજ નેતાઓ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસે પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ પણ ડૉ. મનમોહનને શ્રદ્ધાંજલિ આપી હતી.
