બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આ મેચ 26 ડિસેમ્બરે શરૂ થઈ હતી. આજે મેચનો ત્રીજો દિવસ (28 ડિસેમ્બર) છે. ટીમ ઇન્ડિયા તેની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. તેનો સ્કોર 358 રન થઈ ગયો છે અને 1 વિકેટ બાકી છે. વોશિંગ્ટન સુંદર અને નીતિશ રેડ્ડીએ શાનદાર ઈનિંગ રમતાં ભારતનું ફોલોઓન થવાનું સંકટ જ નહોતું ટાળ્યું પણ ઓસ્ટ્રેલિયન બોલરોને થકવી દીધા હતા. નીતિશ રેડ્ડીએ દમદાર સેન્ચુરી તો વોશિંગ્ટન સુંદરે જોરદાર ફિફ્ટી ફટકારી કાંગારૂ બોલર્સના પરસેવા છોડાવવાની સાથે ટીમ ઈન્ડિયાની લાજ પણ બચાવી હતી.
હવે ટીમ ઈન્ડિયા માત્ર 120 રન જ પાછળ છે. આ સાથે ડ્રિંક પતી ગયા બાદ વોશિંગ્ટન સુંદર 50 રન કરીને આઉટ થઈ ગયો હતો. વોશિંગ્ટન સુંદરના રૂપમાં ટીમ ઈન્ડિયાને આઠમો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ બુમરાહ રમવા આવ્યો હતો જે 0 પર આઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાને નવમો ઝટકો લાગ્યો હતો. કમિન્સની બોલિંગમાં તેણે ખ્વાઝાને કેચ આપી દીધો હતો. હવે નીતિશનો સાથ આપવા સિરાજ મેદાને આવ્યો છે. આ ટીમ ઈન્ડિયાની છેલ્લી વિકેટ છે. નીતિશ રેડ્ડીએ ચોગ્ગો ફટકારીને શાનદાર સદી પૂરી કરી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કૉર 9 વિકેટે 355 રન પર પહોંચી ગયો છે. ત્યારે હવે આપણે કાંગારૂઓથી ફક્ત 116 રન જ પાછળ છીએ. છેલ્લે બેડલાઈટને કારણે મેચ ફરી અટકી ગઇ હતી.
અત્યાર સુધીની મેચની પરિસ્થિતિની વાત કરીએ તો ત્રીજા દિવસની રમતની શરૂઆત રવીન્દ્ર જાડેજા અને ઋષભ પંતે કરી હતી. બંને વચ્ચે પાર્ટનરશીપ જામી ગઇ હોય તેવું દેખાઈ જ રહ્યું હતું ત્યાં રેમ્પ શોટ મારવાના ચક્કરમાં ખરાબ રીતે ઋષભ પંત આઉટ થઇ ગયો. જેને લઇને ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજો પણ તેના પર ભડક્યાં હતાં. તેના પછી જાડેજા 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો જેનાથી ટીમ ઈન્ડિયા સામે ફોલોઓન થવાનું સંકટ આવી ગયું હતું.
જોકે તેના પછી નીતિશ રેડ્ડીએ મોરચો સંભાળતા તેની આગવી શૈલીમાં બેટિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયન બોલર્સને થકવી દેતાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. વોશિંગ્ટન સુંદર પણ તેનો મજબૂત રીતે સાથ આપી રહ્યો હતો પણ ડ્રિંક પત્યા બાદ લિયોનનો શિકાર થયો. સ્મિથે તેનો કેચ પકડી લેતાં સુંદર 50 રન બનાવીને આઉટ થયો હતો. ક્રિઝ પર હજુ બુમરાહ અને નીતિશ રેડ્ડી ઓસ્ટ્રેલિયન બોલરનો પડકાર ઝીલી રહ્યા હતા પરંતુ બુમરાહ પણ શૂન્ય પર આઉટ થઇ જતાં ટીમ ઈન્ડિયાને નવમો ઝટકો લાગ્યો હતો.
