રાજ્યમાં અનેક સ્થળે માવઠું, ખેડૂતો ચિંતિત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યનાં ઘણા સ્થળે શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો શિયાળુ પાકને લઇને ચિંતામાં મૂકાયા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત 9 તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો. જ્યારે વલસાડ, બાલાસિનોર, કપડવંજ, ચરોત્તરમાં પણ માવઠુ પડ્યા હોવાના અહેવાલ છે. ઘઉં, મકાઈ, દિવેલા, ચણા, રાયડો તેમજ શાકભાજીમાં ભારે નુકશાનીની ભીતિ સોવાઇ રહી છે. કપડવંજમાં 3 મીમી વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા : શહેર અને પંથકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો. ચરોતરમાં સવારે સામાન્ય છાંટા પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ. વલસાડ જિલ્લામાં ધૂમસ્યું વાતાવરણ છવાઈ ગયું,કપરાડાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. ઉપરાંત અમદાવાદ, જૂનાગઢ, વડોદરા અને જામનગરમાં દિવસ દરમિયાન વરાસદી માહોલ રહ્યો હતો.

આજથી માવઠાંનું જોર ઘટશે

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વાતાવરણ વાદળછાયું રહેશે, પરંતુ માવઠાંની શક્યતા ના બરાબર રહેશે. 29 ડિસેમ્બરથી વાતાવરણ સામાન્ય થશે. આગામી 24 કલાક બાદ ઠંડીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

અરવલ્લીના મેઘરજ-બાયડ અને માલપુરમાં વરસાદ.

મોડાસા | અરવલ્લી જિલ્લામાં કમોસમી માવઠું થયું હતું. પરિણામે ખેડૂતોએ શિયાળુ પાકોની વાવણી કરેલ 148359 હેક્ટર જમીન ઉપર માઠી અસર પડી હતી. સૌથી વધુ વિપરીત અસર 13324 હેક્ટરમાં આવેલ રાયડો, ચણા, વરિયાળી અને જીરુંના પાકો ઉપર પડી છે. શિયાળુ પાકોમાં ઘઉં, બટાકા, મકાઈ, શાકભાજી,રાયડો, ચણા, વરિયાળી જીરું દિવેલા સહિત 148359 હેક્ટરમાં શિયાળુ પાકોની વાવણી થઈ તેમાંથી 13324 હેક્ટર જમીનમાં આવેલા રાયડો ચણા વરિયાળી જીરુ જેવા પાકો ઉપર વિપરીત અસર પડી છે. અરવલ્લીમાં માવઠાંથી 1.48 લાખ હે.માં પાક ઉપર માઠી અસર

Leave a comment