નલિયામાં સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન

રાજ્યમાં ગઈકાલે પાંચ તાલુકામાં કરા સાથે માવઠુ થયા બાદ આજે સતત બીજા દિવસે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં માવઠાની સાથે સાથે આજે કચ્છના નલિયામાં આ સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વાતાવરણમાં આવેલા પલટાના કારણે આવતીકાલથી ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 26 થી 28 ડીસેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી. શુક્રવારે સાબરકાંઠાના વિજયનગર, ખેડાના કપડવંજ, ડાંગ, મહિસાગરના બાલસિનોર અને અરવલ્લીના બાયડમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે પણ હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. નલિયામાં લોકો છેલ્લા 1 મહિનાથી કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. નલિયામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. પરંતુ, ક્ચછ જિલ્લામાં ગગડ્યો છે. નલિયામાં સિઝનનું સૌથી ઓછું 4.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 28 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલી રહેશે.આ ઉપરાંત રાજ્યના પૂર્વ તરફના મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓમાં ગાઢ અથવા તો અતિશય ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે તેમાં ખાસ કરીને મહીસાગર, અરવલ્લી ડાંગ, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ધુમ્મસ છવાયેલું રહેશે. આ ઉપરાંત પણ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તથા મધ્ય ગુજરાતમાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહી શકે છે. બીજી તરફ વેસ્ટન ડીસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર જે સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું તેની અસરો ઓછી થતા તાપમાનનો પારો ગગડશે એટલે કે આગામી 24 કલાકમાં ઠંડીનું જોર અતિશય વધશે જેથી હવે છત્રી અને રેઇનકોટ બાજુ પર મૂકીને સ્વેટર પહેરવાનું ફરી એક વખત વારો આવશે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓના લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થયો છે. કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન એકાએક તાપમાનનો પારો છ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો છે. કચ્છના નલિયામાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે પરંતુ આ વર્ષે લઘુત્તમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો 24 કલાક દરમિયાન આ વર્ષનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ફક્ત 24 જ કલાકમાં નલિયા ના લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતા છ ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુ ઘટીને 4.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત ભુજમાં પણ 9.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતુંય આ સિવાય રાજકોટમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ સિવાય રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન, વડોદરામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Leave a comment