મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટએટેક

ભારતના દુશ્મન મસૂદ અઝહર વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના મોસ્ટ વોન્ટેડ જૈશ આતંકી મસૂદ અઝહરને હાર્ટએટેક આવ્યો છે. હાલમાં તે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો. તે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ પણ છે.

હાર્ટએટેક આવ્યા બાદ તરત જ તેને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તેને કરાચીની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. સૂત્રોનો દાવો છે કે ઈસ્લામાબાદથી કાર્ડિયોલોજિસ્ટ પણ કરાચી પહોંચી રહ્યા છે. આતંકી મૌલાના મસૂદ અઝહરને ખોસ્ત પ્રાંતના ગોરબાઝ વિસ્તારમાંથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો. એવી શક્યતા છે કે તેને ટૂંક સમયમાં રાવલપિંડીની સૌથી મોટી અને સૌથી સજ્જ સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી શકે છે.

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક મસૂદ અઝહર ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. સપ્ટેમ્બર 2019 માં, ભારતે અઝહર અને અન્ય એક પાકિસ્તાની આતંકવાદી, લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ મુહમ્મદ સઈદને કડક આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ ‘આતંકવાદી’ જાહેર કર્યા હતા. ડિસેમ્બર 1999માં કાઠમંડુથી કંદહાર જતી ફ્લાઈટના હાઈજેક બાદ મુસાફરોના બદલામાં મુક્ત થયેલા આતંકવાદી મસૂદ અઝહરે ખતરનાક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સ્થાપના કરી હતી.

Leave a comment