કેન્દ્ર સરકાર પરવાનગી વગર લોન આપતી એપ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. સરકારે આ યોજના અંગે એક ડ્રાફ્ટ બિલ રજૂ કર્યું છે. આ બિલમાં ઉલ્લંઘન કરતી ઓનલાઈન લોન એપ્સ પર પ્રતિબંધ લગાવવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત 1 કરોડ રૂપિયાનો દંડ અને 10 વર્ષની જેલની સજાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના ડિજિટલ ધિરાણ પર કામ કરતા જૂથના નવેમ્બર 2021ના અહેવાલમાં આ પગલાં પ્રથમ વખત સૂચવવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારના આ ડ્રાફ્ટ બિલનું શીર્ષક છે–બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ લેન્ડિંગ એક્ટિવિટીઝ (BULA) છે. આ બિલનો હેતુ વ્યક્તિઓ અને કંપનીઓને આરબીઆઈ અથવા અન્ય કોઈ નિયમનકારી સંસ્થાઓની પરવાનગી લીધા વિના લોકોને લોન આપવા પર પ્રતિબંધ મૂકવાનો છે.
આ બિલમાં ડિજિટલ લોન આપતા પ્લેટફોર્મનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનધિકૃત પ્લેટફોર્મ કાયદેસર રીતે લોન આપી શકતા નથી.
અનધિકૃત લોન આપવા પર 7થી 10 વર્ષની જેલ અને 2 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
બીજી તરફ, જો લોન આપનાર બળજબરીપૂર્વક વસૂલાતની પદ્ધતિઓ અપનાવશે તો તેમને 3થી 10 વર્ષની જેલની સજા થશે.
બહુવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંડોવતા અથવા મોટી રકમ સાથે સંકળાયેલા કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે.
