ઘૂંટણમાં કોઈ કારણસર એકાએક ઈજા થઈ જાય અને સખત દુખાવો થવા લાગે, તો કયા ડોક્ટર પાસે જવું, કેવા પરીક્ષણ કરાવવા, કોઈ ગંભીર વાત તો નહીં હોય ને મનમાં આવા પ્રશ્નો ઉદ્ભવે તે સ્વાભાવિક છે. કારણકે,ઘૂંટણને લચીલા બનાવવામાં જેનો મહત્વનો ભાગ છે એવા લિગામેન્ટમાં ઇજા થાય તો તૂટી શકે છે, જે આગળ જતાં મુશ્કેલી સર્જી શકે છે.
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ઓર્થો સર્જન અને સ્પોર્ટ્સ મેડિસિન ડો.કેલ્વિન સુરેજાએ જણાવ્યું કે,અત્રે વર્ષ ૨૦૨૪ દરમિયાન જાન્યુ.થી ડિસેમ્બર સુધી લિગામેન્ટ સબંધી આવી ૫૦ કે તેથી વધુ સર્જરી કરવામાં આવી છે. ઉપરાંત ૩ દર્દીની પ્રિઝર્વેશન સર્જરી કરવામાં આવી છે, ઉપરાંત જેમને હાડકા સબંધી જરૂર કરતાં વહેલી સમસ્યા થઈ હોય તો કુદરતી સાંધાને બચાવી લેવાય છે.
તેમણે કહ્યું કે, કોઈપણ વયમાં આ પ્રકારની ઈજા થઈ શકે છે, ખાસ કરીને રમતગમતમાં રસ લેતા ખેલાડીઓ જેમકે ક્રિકેટ, બેડમિન્ટન, ફૂટબોલ કબડ્ડીની રમત દરમિયાન કે લશ્કરની ફિઝિકલ પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા યુવાનો અથવા તો જવાનો કે જેવો સતત શારીરિક કસરત કરતા હોય, ઉબડ ખાબડ ને ખરાબ રસ્તા ઉપર ચાલતા હોય અથવા તો અકસ્માત જેવી ઘટના બને ત્યારે આવી ઈજા થવાની શક્યતા વધુ હોય છે.
જી.કે. માં લશ્કર, બીએસએફના જવાનો, સ્પોર્ટ્સમેન અથવા તો બાઈક પરથી પડી જવાથી કે એક્સિડન્ટ થયું હોય તેવા કિસ્સામાં લીગામેન્ટમાં ચોટ થવાના કેસમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી છે.
ઘૂંટણ લીગામેન્ટના તમામ પ્રકારના જેમાં ઘૂંટણ રીપેર કરવાના તેમજ ૪૦ થી ૫૦ વર્ષની વયમાં ઘૂંટણના ઘસારાનું અને જેમને શરૂઆતના સ્ટેજમાં આર્થરાઈટીસ થાય છે, તેમના પગ સીધા કરવા માટે આવા ઓપરેશન કરવામાં આવ્યા છે.
લીગામેન્ટ શું છે અને સ્પોર્ટ્સ મેન આવી ઇજાથી કેમ બચી શકે:
લીગામેન્ટ એ પગના ઉપર અને નીચે એમ બંને હાડકાને જોડતો ટીસ્યુ છે, જે પગને આગળ પાછળ તેમજ ઘુમાવવામાં મદદરૂપ થાય છે.પગની ગતિને નિયંત્રણમાં રાખી હલનચલનમાં સહાયરૂપ બને છે.સામાન્ય રીતે ખેલાડીઓએ કોચ અગરતો મેદાનમાં ઉતરવાથી પહેલા નિષ્ણાતની મદદથી શરીરને તેના માટે તૈયાર કરવું અર્થાત વોર્મ અપ આપવું જોઈએ.જો પ્રોફેશનલ બની જવાય તો ઇજા થવાની સંભાવના ઓછી હોય છે.
