અદાણી વિદ્યામંદિર, ભદ્રેશ્વર ખાતે સ્વાસ્થ્યની નૂતન પહેલ ‘માતાની સમજદારી, કુટુંબની સમૃદ્ધિ’ કાર્યક્રમ

તા. 21 -12-2024 ના રોજ અદાણી વિદ્યામંદિર, ભદ્રેશ્વર ખાતે ‘માતાની સમજદારી, કુટુંબની સમૃદ્ધિ’ વિષય પર એક અત્યંત નૂતન  કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સ્વાસ્થ્ય અને પરિવારની સમૃદ્ધિ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. શાલિનીબેન, કમ્યુનિટી હેલ્થ ઓફિસર, ભદ્રેશ્વર શ્રી દિપાંશીબેન પ્રજાપતિ અને અદાણી ફાઉન્ડેશનના વુમન્સ ઇમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર દેવલબહેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સવિશેષ આશરે 182  જેટલી માતાઓ અને 42  જેટલી વિદ્યાર્થીનીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

વૃક્ષ એ સમગ્ર જીવ સૃષ્ટિને પોષણ આપે છે તેવી જ રીતે માતા સૃષ્ટિ સર્જનનું માધ્યમ છે. તેવાં અલૌકિક વિચારો સાથે કાર્યક્રમની શરૂઆત તુલસીના છોડને જળ અર્પણ કરીને ‘વૃક્ષ પ્રાગટ્ય’ દ્વારા કરવામાં આવી હતી. શાળાના શિક્ષિકા શ્રી એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપ્યો હતો. ભારતીય સંસ્કૃતિની આતિથ્ય સત્કારની પરંપરા મુજબ મહેમાનોનું શુભેચ્છા કાર્ડ અને પ્રતિકાત્મક ભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી દેવલબેન ગઢવીએ પ્રાસંગિક ઉદબોધન દરમિયાન વાલીઓની પરંપરાગત વિચારધારાથી અવગત કરાવી, બાળકીઓને માસિક દરમિયાન આપવાના સૂચન અંગે વાત કરી તેમજ રજ્જો દર્શન કોઈ પાપ નહિ પરંતુ માતૃત્વ ધારણ કરવાની કુદરતી પ્રક્રિયા છે. ઉપરાંત  કન્યા કેળવણીને મહત્વ આપતા કહ્યું હતું કે ‘ભણેલી દીકરી  બે કુળ તારે’ તો તેમના જીવનને જ્ઞાનથી પ્રકાશિત કરી એક શ્રેષ્ઠ સમાજ નિર્માણના પ્રવર્તક બનીએ.ડૉ. શાલિનીબેને મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ કરીને માસિક ધર્મ, મેનોપોઝ , તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફારો, ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત મહત્વની માહિતી આપી હતી. કેન્સર જેવા ગંભીર રોગોથી બચવા માટે જાગૃતિ ફેલાવી હતી. તેમણે મહિલાઓને સ્વસ્થ રહેવા માટે આહાર અને વ્યાયામની સાથે સાથે નિયમિત તબીબી તપાસ કરાવવાની સલાહ આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ ડૉ. શાલિની બેનને વિવિધ પ્રશ્નો પૂછ્યા. ઉપરાંત વ્યક્તિગત મળી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. જેના તેમણે દરેક બહેનોને વ્યક્તિગત ઉત્તરો આપ્યા હતા.

શાળાના શિક્ષિકા બહેને કાર્યક્રમના અંતે અતિથિ વિશેષ અને ઉપસ્થિત માતાઓ, બહેનો તેમજ વાલીઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમનાં અંતે પધારેલ માતાઓ, બહેનોએ સ્વ વિચારો જણાવતા કહ્યું હતું કે, તેમણે પ્રથમ વખત જોયું કે, કોઈ શાળા માત્ર બાળકોના સ્વાસ્થ્ય નહીં પરંતુ આસપાસના વિસ્તારના દરેક લોકો, માતાઓ તેમજ સમાજ પ્રત્યે સતત ચિંતિત તેમજ સમાજ ઉત્કર્ષ કાર્યમાં સતત આગેવાન રહેવા બદલ તેઓએ ખુશાલી સાથે આભાર વ્યક્ત કર્યો. આમ, આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળે તેમજ દરેક સ્ત્રી સ્વ સ્વાસ્થ્યથી જાગૃત થાય તેવા ઉત્કૃષ્ઠ વિચારોની પહેલ કરવામાં આવી હતી.

Leave a comment