ભૂકંપ ઝોન પાંચમા આવતા સરહદી કચ્છ જિલ્લામાં અવારનવાર સામાન્યથી માધ્યમ સ્તરના ધરતીકંપના આફટરશોક સિસમોગ્રાફી કચેરી ખાતે નોંધાતા રહે છે. કચ્છ સાથે અડીને આવેલા પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં પણ સમયાંતરે ભુકંપના આંચકા અલગ અલગ સ્થળે આવતા હોય છે. આજે સવારે 10.44 વાગ્યાના અરસામાં કચ્છની સામે પાર પાકિસ્તાનના પંજાબ ચોકના સાહબદીન મીઠી વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો ભુકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે નોંધાયો હતો. 3.7ની તિવ્રતા ધરાવતા આંચકાની અસર કચ્છના સરહદી વિસ્તાર સુધી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અલબત્ત લખપતથી 76 કિલોમીટર દૂર નોંધાયેલા આંચકાથી સ્થાનિકે કોઈ નુકશાની થઈ નથી.
છેલ્લી કેટલીક સદીઓ દરમિયાન ભુકંપના કારણે અનેક મોટી ઉથલપાથલ સહન કરનાર કચ્છ જિલ્લામાં વર્ષ 2001નો ભુકંપ સદીનો સૌથી મોટો ધરતીકંપ હોવાનું મનાય છે, ત્યારે સરહદી કચ્છમાં ભુકંપના આફટરશોક હવે સામાન્ય ઘટના બની ગઈ છે. છેલ્લા બે દાયકા ની વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં ધરા ધ્રુજવાની ઘટના બની છે. સદભાગ્યે લઘુ અને મધ્યમ કક્ષાના આંચકા જાનમાલને નુકશાન કરતા હોતા નથી. દરમિયાન કચ્છ સાથે પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન સરહદે પણ લાંબા સમયના અંતરાલ બાદ આંચકા આવતા હોય છે. આજ પ્રકારે વધુ એક ભુકંપના આંચકાએ સરહદને ધ્રુજાવી દીધી હતી.
