કચ્છ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ 5 દિવસમાં 270 લાખની વીજચોરી પકડી

છેલ્લાં કેટલાંક સમયથી કચ્છમાં વીજચોરીનું દુષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબધ્ધ્તા  આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ અંજાર વર્તૂળ કચેરી દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબધ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે, પૂર્વ કચ્છમાં છેલ્લા પાંચ દિવસમાં વીજ તંત્રે ૨૭૦ લાખની વીજ ચોરી પકડી પાડી છે.

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે લાલ આંખ કરી છે. જીયુવીએનએલ કચેરીના આયોજન હેઠળ તથા જીયુવીએનએલ કચેરીના અધિકારીઓના તેમજ નિગમીત કચેરીના મુખ્ય ઈજનેર અને અંજાર વર્તુળ કચેરીના વિશેષ્ષ મુખ્ય ઈજનેર, વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ પૂર્ર્વ કચ્છના ચારેય તાલુકાના અનેક વિસ્તારોમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવ્યા છે.

ગત સપ્તાહમાં તા.૦૯.૧૨.૨૦૨૪ થી ૧૩.૧૨.૨૦૨૪ સુધી આ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લાની અંજાર, ગાંધીધામ અને ભચાઉ વિભાગીય કચેરી હેઠળની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, જીયુવીએનએલ પોલીસ અને એસ.આર.પી. સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૫૬ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક વગેરે મળીને કુલ ૨૧૪૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૨૪૬ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં અંદાજીત કુલ રૂ. ૨.૭૦ કરોડની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. જેમાં અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ શહેરના વિવિધ વિસ્તારો તેમજ કોટડા, લાખાપર, પશુડા, વરસામેડી, ભુવડ, વીડી, ગળપાદર, ખારીરોહર, વંડી, તુણા, કડોલ, સામખીયારી, સણવા, મોડા, આડેસર ગામોમાં સૌથી વધુ વીજચોરી પકડવામાં આવેલ.

આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે

આજરોજ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત ભુજ ડીવીઝન હેઠળ ભુજ સર્કલના ભુજોડી તેમજ કુકમા વિસ્તારમાં પીજીવીસીએલની ૨૪ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાઈ હતી. જેમાં કુલ ૪૭૨ વીજ કનેકશનો તપાસાયા હતા. તે પૈકી રહેણાંકના ૩૬૦ કનેકશનો તપાસાયા જેમાંથી ૩૩માંથી ગેરરિતી ઝડપાઈ હતી જયારે કોમર્શિયલના ૧૧૨ કનેકશનો તપાસાયા તે પૈકી બેમાંથી ગેરરિતી ઝડપાઈ હતી. કુલ ૨૩.૨૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Leave a comment