જમ્મુ-કાશ્મીરમાં તાપમાન માઈનસ 8 ડિગ્રી થતાં લોકો ઠુઠવાયા

ઉત્તર ભારતના પર્વતીય અને મેદાની વિસ્તારોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય માનવીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવાર અને મંગળવાર વચ્ચેની રાતમાં લઘુતમ તાપમાન માઇનસ 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે આ સીઝનનું બીજું સૌથી ઓછું તાપમાન હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પહલગામમાં માઇનસ 6.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.કાઝીગુંડમાં લઘુતમ તાપમાન માઇનસ ૬ ડિગ્રી અને ગુલમર્ગમાં લઘુતમ તાપમાન માઇનસ ૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

કોનિબાલ માઇનસ 8.5 ડિગ્રી સેલ્સિયસ સાથે કાશ્મીર ખીણમાં સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. કુપવાડામાં માઇનસ ૫.૬ ડિગ્રી અને કોકેરનાગમાં માઇનસ 5.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.

ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં શીતલહેર ચાલી રહી છે.

હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે ઠંડીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાર જિલ્લાઓમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. લાહોલ અને સ્પિતિના તાબોમાં લઘુતમ તાપમાન માઇનસ ૬.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

મનાલીમાં માઇનસ 2.1 ડિગ્રી સેલ્સિયસ તથા શિમલામાં 7.6 ડિગ્રી સેલ્સિયસ  તાપમાન નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં લઘુતમ તાપમાન 5.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

પંજાબના ફરીદકોટમાં શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ધુમ્મસને કારણે દ્રશ્યતાનું પ્રમાણ 50  થી 200 મીટર રહ્યું હતું.

Leave a comment