ભારતના આઈપીઓ બજારમાં હાલ ડિસેમ્બરની યર એન્ડ પાર્ટી ચાલી રહી છે. એક બાદ એક કંપનીના આઈપીઓ આવી રહ્યાં છે, રોકાણકારો તેને વધાવી રહ્યાં છે અને સામે કંપનીઓના લિસ્ટિંગ કે બાદમાં પણ રોકાણકારોને વળતર મળી રહ્યું છે. ખાસ કરીને ફરી એસએમઇ આઈપીઓનો ક્રેઝ માર્કેટમાં વધ્યો છે.
નાના અને મધ્યમ ઉદ્યોગોમાં સંસ્થાકીય રોકાણકારોનો રસ ઝડપથી વધી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ વલણ એસએમઈ કંપનીઓના પ્રારંભિક જાહેર ભરણાંમાં સંસ્થાકીય રોકાણકારોના સતત વધતા હિસ્સામાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. સામાન્ય રીતે શેરબજારની આ કેટેગરીમાં રિટેલ રોકાણકારોનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ હવે મોટા સંસ્થાકીય રોકાણકારો પણ તેમાં મોટો દાવ લગાવી રહ્યાં છે.
એસએમઈ આઈપીઓ દ્વારા એકત્ર કરાતી રકમ સામાન્ય રીતે રૂ. ૫૦ કરોડની રેન્જમાં હોય છે, જે સંસ્થાકીય રોકાણકારો માટે નાની રકમ ગણાય છે પરંતુ તાજેતરના ડેટા દર્શાવે છે કે એસએમઈ આઈપીઓમાં સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો ડિસેમ્બર, ૨૦૨૪માં વધીને ૫૦ ટકાની આસપાસ પહોંચી ગયો છે.
પ્રાઈમડેટાબેઝના ડેટા પર નજર કરીએ તો એસએમઈ આઈપીઓમાં રિટેલ એટલે કે નાના રોકાણકારોનો હિસ્સો સતત ઘટયો છે. ૨૦૨૨ની શરૂઆતમાં એસએમઈ આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી કુલ રકમમાં નાના રોકાણકારોનો હિસ્સો લગભગ બે તૃતીયાંશ હતો એટલેકે ૬૫-૭૦ ટકા આસપાસ હતો પરંતુ હવે આ આંકડો ઘટીને ૩૪.૯ ટકા થઈ ગયો છે. રિટેલ રોકાણકારોની અરજીઓ સામાન્ય રીતે એકથી બે લાખની રેન્જમાં હોય છે.
આંકડા સૂચવે છે કે એસએમઈ આઈપીઓમાં સંસ્થાકીય રોકાણકારોની ભૂમિકા ધીમે-ધીમે વધી રહી છે. કૌટુંબિક સંપત્તિઓનું સંચાલન કરતી ઓફિસોનો રસ પણ એસએમઈ તરફ વધી રહ્યો છે.
વૈકલ્પિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ, ફેમિલી એસેટ્સનું સંચાલન કરતી ઓફિસો અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ નાની કંપનીઓમાં લાંબા ગાળાનો હિસ્સો લઈ રહ્યાં છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ અથવા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો આવું હાલ નથી કરતા. એક મુખ્ય રેગ્યુલેટરી ફ્રેમવર્કને કારણે પણ તેઓ હાલ આ રોકણથી દૂર છે કારણકે તેમણે મિનિમમ લિક્વિડિટી અને માર્કેટ કેપિટલાઇઝેશનની શરતો પૂરી કરવી પડે છે.
પ્રાઇમ ડેટાબેઝ મુજબ વર્ષ ૨૦૨૩-૨૪માં લગભગ ૨૦૦ એસએમઈ આઈપીઓ બજારમાં ફંડ એકત્ર કરવા આવ્યા છે અને આ એકમોએ અંદાજે રૂ. ૬૦૦૦ કરોડથી વધુનું ભંડોળ પણ એકત્ર કર્યું છે.
