જી.કે.જન.અદાણી હોસ્પિ.માં યુવા મહિલાની સંકોચાઈ ગયેલી સ્વરપેટી અને અન્નનળીનું ગળામાં કાણું પડ્યા વગર  દૂરબીનથી લેસર વડે કર્યું સફળ ઓપરેશન

કચ્છમાં પ્રથમ વાર જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના કાન,નાક અને ગળાના (ઈ.એન.ટી.) અને એનેસ્થેટિક વિભાગે  એસિડ પી જવાથી યુવા મહિલાની સંકોચાઈ ગયેલી સ્વરપેટી અને અન્નનળીનો માત્ર ઉપરનો આંશિક ભાગ જ દેખાતો હતો, જેને પહોળો કરવો જરૂરી હોવાથી ગળામાં છિદ્ર કર્યા વિના (ટ્રેકયોસ્ટોમી કર્યા વગર) દૂરબીનથી લેસર વડે  સફળતાપૂર્વક ઓપરેશન કરી મહિલાને નવજીવન આપ્યું હતું.

જી.કે.ના ચીફ મેડિ.સુપ્રિ.અને ઈ.એન.ટી. વિભાગના હેડ ડો નરેન્દ્ર હિરાણીએ આ શસ્ત્રક્રિયાની સફળતા બાદ કહ્યું કે આ પ્રકારનું ઓપરેશન કચ્છમાં પ્રથમ વખત થયું છે, જે જી.કે.માટે ગૌરવરૂપ છે. આ ઓપરેશનમાં કાન,નાક,અને ગળાના ડૉ.રશ્મિ સોરઠીયા, ડો.નિસર્ગ દેસાઈ, ડો.હેતલ જોશી, ડો.નિખિલ અને ડો.યશ જોડાયા હતા.

ડો.હિરાણીએ જણાવ્યું કે,પ્રથમ તો આ મહિલાને પોતાને છેલ્લા ૩ માસથી ખાવાની તકલીફ પડે છે એવી ફરિયાદ સાથે  ઇ.એન.ટી. વિભાગમાં આવ્યા ત્યારે પ્રાથમિક તપાસમાં કફ હતો તેમજ તેમનો અવાજ બેસી ગયો હતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, સ્વરપેટી અને અન્નનળી સંકોચાઈ ગયેલી જણાઈ.  વિસ્તૃત જાણકારી લેતા તેઓ ૩ માસ પહેલા એસિડ પી ગયા હોવાથી આ સમસ્યા સર્જાઈ હતી.

વધુ તપાસતાં એસિડની તીવ્ર અસરને કારણે જીભ પાછળ  સ્વરપેટી અને અન્નનળીનો ભાગ સંકોચાઈ ગયો હતો.માત્ર તેનો ઉપરનો ભાગ જ દેખાતો હતો.અને સિટી સ્કેન પણ એ જ સ્થિતિ જણાઈ. તેથી જો અન્નનળી અને સ્વરપેટીનો ઉપરનો ભાગ પહોળો ના કરાય તો ગમે ત્યારે તાકીદની સ્થિતિ ઊભી થઈ શકે, તેથી ગળામાં કાણું પડ્યા વગર દૂરબીનથી લેસર  સર્જરી કરવામાં આવી.જે કચ્છમાં પ્રથમ વાર થઈ છે.

એનેસ્થેટિક વિભાગ માટે પણ  હતો પડકાર:

આ ઓપરેશન ઈ.એન.ટી. વિભાગ માટે જેટલું મુશ્કેલ હતું, એટલું જ અઘરું એનેસ્થેટિક વિભાગ માટે પણ હતું. કેમકે દર્દીને બેભાન કરવા એક તો લેસર ઓપરેશન અને બીજું નળી પસાર કરવાનું કાર્ય મુશ્કેલ હતું. એલ્યુમિનિયમ ફોઈલમાં વીંટાળી નળી પસાર કરી જે ખુબજ ચીવટ માંગી લે તેવું કામ છે. છેવટે ડો.વિમલ પટેલ, ડો. શિરીન અને ડો.ભરતે સફળતાપૂર્વક પાર પડ્યું, જેમાં ઓ.ટી.ટેકનિશિયન દિનેશ તેમજ નર્સિંગ સ્ટાફ મદદરૂપ થયા હતા.

Leave a comment