જી. કે. જન. અદાણી હોસ્પિ. ના મનોચિકિત્સક વિભાગમાં પ્રતિમાસે અંદાજે ૨૫૦ થી ૩૦૦ દર્દીઓ આવે છે

ડિપ્રેશન એક માનસિક રોગ છે. તેને મૂડ ડિસ ઓર્ડર પણ  કહેવાય છે. જેમાં વ્યક્તિ ઉદાસ, દુઃખી અને નિરાશાની ભાવના  સાથે જીવે છે. ડિપ્રેશન અર્થાત સ્ટ્રેસમાં રોજબરોજની કામગીરી કરવામાં સ્ પીડિત  અસમર્થ બની જાય છે.

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના તબીબો ડો.રિધ્ધિ ઠક્કર અને ડો. શિવાંગ ગાંધી તેમજ કાઉન્સેલર હેતલબેન ગોહિલના જણાવ્યા મુજબ, આજકાલ બદલાતી જીવનશૈલીને કારણે તેમજ હોર્મોન્સમાં સર્જાતી અસમતુલા અને આનુવંશિક  જેવા અનેક કારકને લીધે ડિપ્રેશન થઈ શકે છે. જી.કે.માં પ્રતિમાસે લગભગ ૨૫૦ થી ૩૦૦ જેટલા ડિપ્રેશન દર્દીઓ સારવાર લેવા આવે છે. ડિપ્રેશનના દર્દીઓને દવા તેમજ કાઉન્સિલિંગ મારફતે અત્રે જી.કે.માં સારવાર આપવામાં આવે છે. 

ડિપ્રેશન થવાના અનેક કારણોમાં ઘણીવાર વ્યક્તિ કુટુંબથી દૂર રહેતી હોય, મોબાઈલ, દેખાદેખી પતિ-પત્નીના શારીરિક સંબંધો,  પતિની દારૂ, જુગાર રમવાની આદત જેવા અનેક કારણો જવાબદાર હોય છે. સામાન્ય રીતે ડિપ્રેશન કિશોરાવસ્થા અથવા ૩૦ ૪૦ વર્ષે અથવા તો કોઈ પણ ઉમરે થઈ શકે છે. પુરુષની તુલનામાં મહિલાઓને ડિપ્રેશનનું પ્રમાણ વધુ હોય છે. 

લક્ષણો અંગે  તબીબોએ જણાવ્યું હતું કે,  પીડિત વ્યક્તિ આખો દિવસ અને ખાસ કરીને સવારે વધુ ઉદાસ જોવા મળે છે. થાક, કમજોરી તેમજ દરેક બાબતે પોતાને દોષિત માનવા લાગે છે. પ્રત્યેક કામમાં હતાશા,નિરસતા અને વારે ઘડીએ મૃત્યુ અને આત્મહત્યાના વિચારો આવતા હોય છે.આત્મ વિશ્વાસમાં ઘટાડો દેખાય છે.

ડિપ્રેશન દૂર કરવા માટે મનોચિકિત્સક અને કાઉન્સેલરની મદદ લેવી હિતાવહ છે. સમસ્યાને  મનોચિકિત્સકના સહારે સમજવાની કોશિશ કરવી જોઈએ. એકલા ન રહો, દોસ્તો સાથે ફરો, લોકોને મળો, ગપ સપ કરો, સવાર સાંજ ફરો, હકારાત્મક વાંચો,વિચારો અને બોલો, યોગનો સહારો લ્યો,રાત્રે બહુ ટીવી કે મોબાઈલ  જોવાનું બંધ કરો.અને ખાસ તો સારવાર લેવામાં સંકોચ ન અનુભવો.

તબીબોના જણાવ્યા મુજબ ડિપ્રેશન ચોક્કસ એક સમસ્યા છે, પણ તેનો ઉકેલ આવી શકે છે. ડિપ્રેશન પાગલપન નથી. ડિપ્રેશનમાં  દર્દીઓ સાજા થઈ શકે છે. જો કે સારવાર લેતા થાકવું કે કંટાળવું નહીં. ડિપ્રેશન દૂર કરવા જી.કે.માં અનેક દવા છે અને કાઉન્સિલિંગની વ્યવસ્થા પણ છે. અકારણ ચિંતા પણ માનસિક રોગ નોતરે છે. જો લાંબા સમય સુધી સારવાર ન લેવાય તો બી.પી. કે ડાયાબિટીસ થઈ શકે છે.

તણાવ,ચિંતા અને ડિપ્રેશન વચ્ચેનો તફાવત:

        તણાવ  યાને સ્ટ્રેસ એક સામાન્ય સ્થિતિ છે, જે ભાવનાત્મક છે અને શારીરિક સમસ્યાથી પણ થાય છે, જ્યારે ચિંતા એક વિકાર છે, જેમાં સમસ્યા, ડર  અને બેચેનીની ભાવના વ્યક્ત થાય છે. જેમાં  ગભરામણ, ધડકન વધવી વગેરે લક્ષણો દેખાય છે. જ્યારે ડિપ્રેશન એક માનસિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા ગણાય છે.

Leave a comment