રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી કચ્છની સૌથી મોટી ગાંધીધામ નગરપાલિકાને વાર્ષિક કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે તેમ છતાં અણઘડ વહીવટનાં કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ બની હોવાના આક્ષેપ સાથે ખોટ કરતી હોય પાલિકાને સુપરસીડ કરી સરકારી અધિકારીને વહીવટ સોંપવા સ્થાનિક અગ્રણી દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરી તથા શહેરી વિભાગના સચિવને પત્ર લખીને રજૂઆત કરાઈ હતી.
ગાંધીધામના અગ્રણી રોશનઅલી સાંઘાણીએ કરેલી રજૂઆતમાં આક્ષેપ કર્યા છે કે, ગાંધીધામ નગરપાલિકાને મળતી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. પાલિકાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીનાં મનસ્વી વર્તનનાં કારણે ગાંધીધામ અને આદિપુર શહેર અનેક સુવિધાઓથી વંચિત રહ્યા છે. સાંસદ અને ધારાસભ્ય પણ શહેરીજનોની સમસ્યાના નિરાકરણ લાવવા કોઈ રસ દાખવતા નથી. ગાંધીધામ અને આદિપુર શહેરમાં સફાઈ, ગટરની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં દિવસો સુધી સફાઈ થતી ન હોય કચરાનાં ગંજ ખડકાયા છે, ગટરના પાણી સતત ઓવરફ્લો થતા રહે છે.
આ અંગે રજૂઆતો બાદ પણ સત્તાધીશો દાદ આપતા ન હોવાથી સતત નાણાકીય ખોટમાં જઈ રહેલી અને વિકાસ કામો થતાં ન હોવાથી ગાંધીધામ નગરપાલિકાને સુપરસીડ જાહેર કરીને સક્ષમ અધિકારીને નગરપાલિકાનો વહીવટ સોંપવાની માગ પત્ર દ્વારા કરવામાં આવી હતી.
