પંચમહાલ જિલ્લાના જેલ વિભાગ હસ્તકની ગોધરા સબ જેલ ગોધરા શહેર વિસ્તારમાં તેમજ કાલોલ સબ જેલ કાલોલ તાલુકામાં આવેલી છે. આ સબ જેલોમાં હત્યા, અપહરણ, બળાત્કાર, નકલી ચલણીનોટ, નકલી દસ્તાવેજો, છેતરપીંડી, પોક્સો એક્ટ, એન.ડી.પી.એસ એક્ટ, પશુ અત્યાચાર જેવા ગંભીર ગુનાના પુરૂષ તેમજ મહિલા કેદીઓને રાખવામાં આવે છે. આ કેદીઓ ચેનકેન પ્રકારે જેલની બહારની રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરતા ઈસમો કે સંસ્થા સાથે મોબાઈલ ફોન, દુરસંચારના અન્ય ગેઝેટ્સનો ઉપયોગ કરી સંપર્ક કરી તેઓની સાથે સાંઠ-ગાંઠ કરી સમાજ તથા રાષ્ટ્ર વિરોધી ગુનાઓને અંજામ આપવા તેમજ પોતાના કેસના સાક્ષીઓ/સાહેદોને ધાકધામકી/લોભ-લાલચ, પ્રલોભન આપવા જેવી પ્રવૃતિઓ કરી શકે છે. જેથી ગોધરા સબ જેલ તેમજ કાલોલ સબ જેલમાં શિસ્ત અને સલામતિ જળવાઈ રહે તે માટે ગોધરા સબ જેલ તેમજ કાલોલ સબ જેલમાં મોબાઈલ ફોન, દુરસંચારના અન્ય ગેઝેટ્સના ઉપયોગને પ્રતિબંધિત કરતું જાહેરનામું પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ બહાર પાડ્યું છે.
જાહેરનામા મુજબ પંચમહાલના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમાએ તેમને મળેલ સત્તાની રૂએ ગોધરા સબ જેલ તેમજ કાલોલ સબ જેલના પ્રિમાઈસીસમાં (સંકુલમાં) સલામતી અને સુરક્ષાના કારણોને ધ્યાને લઈ બન્ને જેલોની પ્રિમાઈસીસમાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન, સીમકાર્ડ, આઇપેડ કે દૂરસંચાર માધ્યમના અન્ય ગેઝેટ્સ સાથે પ્રવેશ ન કરવા તેમજ આવા કોઈ સાધનો/ગેઝેટ્સનો જેલના પ્રતિબંધિત વિસ્તારમાં ઉપયોગ ન કરવાનો હુકમ ફરમાવ્યો છે. કોઈ પણ જાહેર રાજ્ય સેવક કે જે પોતાની ફરજના ભાગરૂપે બંધાયેલો છે તેવી વ્યક્તિને તેની ફરજ દરમિયાન આ હુકમ લાગુ પડશે નહીં. તેમજ આ હુકમ આગામી તા.08/01/2025ના 24-00 કલાક સુધી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.
