પ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે કચ્છના પ્રસિદ્ધ રણોત્સવનો પ્રારંભ થતાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રેલવે માર્ગે આવતા પ્રવાસીઓને આવકારવા પ્રવાસન નિગમ દ્વારા ભુજના રેલવે સ્ટેશનની બહાર બે ડોમમાં આધુનિક સ્વાગત કક્ષનું નિર્માણ કરવામાં આવતું હોય છે. ત્યારે ચાલુ વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ભુજ રેલવે મથકનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવાને કારણે ચાલુ વર્ષે એક જ ડોમ હંગામી રેલવે પ્રવેશદ્વાર અને જૂનાં જમાનાની ટ્રેનનાં એન્જિન પાસે બનાવવામાં આવ્યું છે.
એક બાજુ દિવાળી વેકેશનની રજાઓ પૂરી થવાં જઇ રહી છે, આ વચ્ચે આજથી રણોત્સવનો આરંભ થતાં આજે ભુજનાં રેલવે મથકે મોટી સંખ્યામાં ધોરડો, સફેદ રણને માળવા દેશ-વિદેશથી પ્રવાસીઓ રેલવે મથકે તૈયાર કરાયેલા આધુનિક ડોમમાં બેઠેલા જોવા મળ્યા હતા અને તૈયાર કરાયેલી સુવિધામાં તંત્રનાં જવાબદાર કર્મચારીઓ પ્રવાસીઓને આવકાર આપીને પ્રવાસીઓને વિવિધ લકઝરી બસોમાં ધોરડો લઇ જવાની વ્યવસ્થામાં કામ કરતા જોવા મળી રહ્યા છે.
દિવાળી વેકેશન બાદ હવે ડિસેમ્બર મહિનાની રજાઓ પડવાની હોવાથી આ રણોત્સવને માણવા હજારો લોકો છેક ફેબ્રુઆરી સુધી આવતા હોય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કચ્છ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પ્રચલિત થઇ ગયું છે તેમ છતાં પાટનગર ભુજ હોય કે પછી કચ્છનાં ધાર્મિક અને પર્યટન સ્થળોમાં સાફસફાઇના અભાવે પ્રવાસીઓ સ્વચ્છતાની બાબતમાં નારાજગી વ્યક્ત કરે છે.
