આગામી પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, અમે પાંચ દિવસ ગુજરાત રાજ્યનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત્ રહેશે તથા કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે. જ્યારે પાંચ દિવસ બાદ રાજ્યનો મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. પરંતુ હજુ પણ નવેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયા સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક હજુ પણ ગુજરાત રાજ્યનું તાપમાન યથાવત્ રહેશે તથા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું તથા 19.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનો સૌથી ઠંડુ વિસ્તાર રહ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 36.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે સામાન્ય કરતાં 3.7 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 21.8 લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Leave a comment