અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) સંચાલિત સેવાઓમાં સતત નવા રેકોર્ડસ સર્જાઈ રહ્યા છે. અદાણી પોર્ટ્સ મુન્દ્રા રો-રો ટર્મિનલે સૌથી વધુ કાર શિપમેન્ટ નિકાસ કરવાનો વિક્રમ સર્જ્યો છે. તાજેતરમાં પોર્ટે MV મોર્નિંગ ક્લેર જહાજનું સફળતાપૂર્વક સંચાલન કરતા 5,405 કારની સૌથી મોટી સિંગલ વ્હીકલ નિકાસ કરી છે. દર કલાકે 116 કારોની નિકાસ સાથે મુન્દ્રા RORO ટર્મિનલે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
અદાણી પોર્ટ્સ મુન્દ્રા રો-રો ટર્મિનલ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ પ્લેયર છે. RORO સુવિધા અંતર્ગત તે 100 થી વધુ દેશોમાં વાહનોની નિકાસ કરે છે. અદાણી પોર્ટ્સ ખાતેના શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નિષ્ણાતોની ટીમ દ્વારા જહાજની અંદર ખાસ પ્રકારના પાર્કિંગ અને સમયસર વાહન પરિવહનની કાર્યક્ષમતા ઉડીને આંખે વળગે તેવી છે. પોર્ટ ઓપરેશન ટીમની સખત મહેનત અને સમર્પણના કારણે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ થઈ છે.
2009 માં સ્થાપિત મુંદ્રા રો-રો ટર્મિનલ દિલ્હી NCR, રાજસ્થાન અને ગુજરાત પ્રદેશોમાં સ્થિત ઓટોમોબાઈલ કંપનીઓ માટે ગેટવે પોર્ટ તરીકે સેવા આપે છે. રાઉન્ડ-ધ-ક્લોક ટર્મિનલ દુનિયાભરના અનેક દેશોમાં કાર, બસ અને ટ્રકની નિકાસનું સંચાલન કરે છે. ભારતમાં અનન્ય એવુ મુંદ્રા RORO ટર્મિનલ અલ્ટ્રા મોર્ડન ફ્લોટિંગ પોન્ટૂન અને લિન્ક સ્પાનથી સુસજ્જ છે. વળી તેમાં બફર યાર્ડની સાથે પાર્કિંગ અને વાહનો ધોવા માટે ધોવાની સુવિધા પણ છે.
મલ્ટિમોડલ કનેક્ટિવિટી સાથે મુન્દ્રા બંદર ભારતના મુખ્ય આર્થિક પ્રવેશદ્વાર સમાન છે. તે દેશના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારને આયાત-નિકાસ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું કોલસાનું સૌથી મોટું આયાત ટર્મિનલ મુંદ્રા ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે. તે ઝડપી કાર્ગો ઈવેક્યુએશન અને ન્યૂનતમ ટર્નઅરાઉન્ડ સમયની ખાતરી આપે છે.
ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને APSEZ એ સતત નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે. APSEZ ની ઉપલબ્ધિ ઝડપી ગતિશીલ ફેરફારોને સ્વીકારવાની અને ટકાઉ વૃદ્ધિ તરફ તેની સફર ચાલુ રાખવાની ક્ષમતાને દર્શાવે છે.
