રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો

ભચાઉ નગરના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી 26 બંગલા સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને ત્રણ દિવસ પૂર્વે ઘર બહાર આખલાએ હડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજા પામેલા વૃદ્ધાનું ભુજ બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. સ્વજનના નિધનથી પરિવારમાં શોક ફેલાયો હતો.

રાપરમાં પણ આખલા હડફેટે લોહાણા સમાજના અગ્રણીનું થોડા દિવસો પહેલા મોત નીપજ્યું હોવાનો બનાવ તાજો છે ત્યાં વાગડમાં વધુ એક માનવ જિંદગી રખડતા ઢોરના કારણે મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી. ભચાઉમાં ઘવાયેલા વૃદ્ધાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.

નગરના નવી ભચાઉમાં 26 બગલો સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા ચંપાબેન વેલજી નિસર ઘરબહારની પાળી પાસે બેઠા હતા તે દરમ્યાન આખલાએ શીંગડું મારી વૃદ્ધાને જમીન ઉપર પટકાયા હતા. ત્રણ દિવસ પૂર્વે બનેલા બનાવમાં ગંભીર ઈજાઓ થતાં ભચાઉ, ભુજ, ગાંધીધામ બાદ તેમને તાકીદની સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર છતાં હતભાગી વૃદ્ધાનો જીવ બચી શક્યો ના હતો અને ગત સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દમ તોડી દીધો હતો.

ભચાઉમાં આ પહેલા પણ એક વૃદ્ધા ઇજાગ્રસ્ત બન્યા બાદ મૃત્યુ પામ્યા હતા.આ બીજો બનાવ બનતાં લોકોમાં ભય ફેલાયો છે. સદ્ગતના પુત્ર પ્રકાશભાઈ અંતિમવિધિ માટે મુંબઈ જવા રવાના થયા હતા. નવી ભચાઉમાં એકલાં રહેતા હતભાગી વૃદ્ધાને બે પુત્ર અને ચાર પુત્રી છે.

Leave a comment