ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના પહેલા દિવસની રમતના અંતે 1 વિકેટના નુકસાને 16 રન બનાવ્યા હતા. પુણે ટેસ્ટના ત્રીજા સેશનમાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુરુવારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ ગયો હતો. તે ઝીરો પર આઉટ થયો હતો. તેને ટિમ સાઉથીએ બોલ્ડ કર્યો હતો. દિવસના અંતે ભારત તરફથી યશસ્વી જયસ્વાલ (6 રન) અને શુભમન ગિલ (10 રન) અણનમ પરત ફર્યા હતા.
સ્પિનરોએ પહેલી ઇનિંગમાં ભારત તરફથી 10 વિકેટ લીધી હતી. 3 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં કમબેક કરનાર વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 7 વિકેટ લીધી હતી. આ પહેલાં, સુંદરે માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રએ અડધી સદી ફટકારી હતી. કોનવેએ 141 બોલમાં 76 રન અને રચિને 105 બોલમાં 65 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનરે 33 રન, ડેરીલ મિચેલે 18 રન અને ટોમ લાથમે 15 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે પાંચ બેટર્સ બે આંકડાને પાર કરી શક્યા ન હતા.
રવિચંદ્રન અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે આ ચેમ્પિયનશિપમાં 189 વિકેટ લીધી છે. તેણે ઓસ્ટ્રેલિયાના નાથન લાયનના 187 વિકેટના રેકોર્ડને પાછળ છોડી દીધો.
ન્યૂઝીલેન્ડે 44મી ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. અહીં રવિચંદ્રન અશ્વિને ડેવોન કોનવેને આઉટ કરીને 50+ રનની ભાગીદારી તોડી હતી. કોનવે 76 રન બનાવીને આઉટ થયો હતો. તે વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો.
