તાજેતરમાં મુન્દ્રા મધ્યે વર્ષોથી જેની ખોટ સાલતી હતી તે ચેમ્બર ઓફ કોમર્સનું સંગઠન માળખું રચવામાં આવ્યું હતું. જેમાં બે ડાયરેક્ટર ઉપરાંત નગરના પાંચ પ્રતિષ્ઠિત વેપારીઓને ફાઉન્ડર સભ્ય તરીકે તરીકે નિયુક્ત કરાયા છે. અને હવે વેબસાઈટના માધ્યમથી અન્ય સભ્યો બનાવવાની ગતિવિધી આરંભાઈ છે. જેના પગલે છેલ્લા બે દિવસથી નગરના અમુક ચોક્કસ વર્ગમાં વિરોધનો સુર વહેતો થયો હોવાનું સપાટીએ તરી આવ્યું છે.
દેશના સૌથી મોટા ખાનગી બંદર નજીકનું નગર મુંદરા એ કચ્છનું ઊભરતું બીજું ઔદ્યોગિક મથક છે, છતાં અહીં `ચેમ્બર ઓફ કોમર્સ’ ન હોવાની લાંબા સમયની ખોટ હવે પૂરાઈ ચૂકી છે અને `મુંદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ’ના નામના નવા સંગઠનની દિવાળીની બરાબર પહેલાં સ્થાપના થઈ ચૂકી છે અને માત્ર મુંદરા શહેર જ નહીં, તાલુકાભરમાં આવેલી કંપનીઓ, ઉદ્યોગો તેમજ વેપારીઓને જોડાવા ઈજન અપાયું છે. જો કે, ચેમ્બરની સ્થાપનાની વાત બહાર આવતાં જ કેટલાક વર્ગમાંથી દરેક સમાજોના પ્રતિનિધિત્વને અસમતોલ રખાયાનો અસંતોષ ઊઠયો હતો.
જો કે, આ બાબતે સંગઠને સ્પષ્ટતા કરી હતી કે, જીએસટી નંબર ધરાવતા દરેક વેપારી આમાં જોડાઈ શકે છે. સંગઠનના હોદ્દેદારોની હજુ નિમણૂક નથી થઈ માત્ર વેપારીઓના પ્રશ્નો જ નહીં, મુંદરા ચેમ્બર શહેર અને તાલુકા હિતના પ્રશ્નો ઉઠાવવા માટે મક્કમ છે. ચેમ્બર સ્થાપનાની પ્રક્રિયામાં લાંબા સમયથી સક્રિય એવા શાપિંગ વ્યવસાય સાથે જોડાયેલા અને ડાયરેક્ટર પદે જોડાયેલા મનોજભાઈ કોટકે આ સ્થાપનાને મુંદરા માટે મહત્ત્વની ઘટના ગણાવતાં કહ્યું કે, સીઆઈએન નંબર મળવા સાથે નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
નવનિર્મીત ચેમ્બર ઓફ કોમર્સ ના ડાયરેક્ટર કિશોરસિંહ પરમારે સંસ્થા ખાનગી હોવા છતાં પણ એક ઓપન ફોરમ છે,અને જીએસટી ભરનાર દરેક વર્ગ નો વેપારી આમાં સભ્ય તરીકે આવકાર્ય હોવા પર ભાર મુકી તેને ઊભી કરવા માટે કમર કસનાર અને સંચાલન માટે સક્ષમ એવા નામાંકિત વેપારીઓ ને તેમાં ફાઉન્ડર બનાવાયા હોવાનું જણાવ્યું હતું.
જીએસટી નંબર ધરાવનાર કોઈપણ વેપારી કે કંપનીઓ જોડાઈ શકે છે. વેપારી સંગઠન હોવાથી જ્ઞાતિ, જાતિ, કે ધર્મના ભેદનો તો સવાલ જ ઊભો થતો નથી. સંગઠન સ્થાપવા માટે સ્થાપક સભ્ય તો જોઈએ નિમણૂકો બાકી છે અને આગામી સમયમાં એક મોટા કાર્યક્રમ દ્વારા લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. એ પહેલાં તાલુકાનો સમગ્ર વેપારી વર્ગ ઉત્સાહથી જોડાઈ રહ્યો છે. ઓનલાઇન સભ્ય ફોર્મ માટેની પ્રારંભિક ફી પણ ઓછી છે. અગાઉના વ્યાપારી સંસ્થાના હોદ્દેદારો પણ આ નવા સંગઠનમાં જોડાઈ રહ્યા છે. ચેમ્બર વ્યાપારી સમુદાયનું પ્રતિનિધિત્વ કરશે અને વિવિધ ક્ષેત્રના સભ્યો એકબીજા સાથે જોડાતાં એમના વ્યાપારનો વિકાસ થશે. બીજા ડાયરેક્ટર કિશોરસિંહ પરમારે કહ્યું કે, આ તટસ્થ બિનરાજકીય સંસ્થા છે.
નવી બનાવેલી વેબસાઈટમાં પણ ડિજિટલાઈઝેશન અને પારદર્શકતા પર ભાર મુકાયો છે. ઓનલાઇન ફોર્મ ફી ચૂકવણી અને પહોંચ પણ મળી જાય છે, સાથે-સાથે સભ્ય સર્ટિફિકેટ પર ડાઉનલોડ થઈ જાય છે. હવે મુંદરામાં વિવિધ વ્યાપારી હિતની ચર્ચાઓ-પરિસંવાદ, કોન્ક્લેવ નિષ્ણાતોના વ્યાખ્યાનો સહિતના કાર્યક્રમ યોજાશે. સંગઠનને આઇએસઓ 9001/2015 સર્ટિફિકેશન મળ્યું છે. આ સાથે ચેમ્બર મુંદરામાં આવવા માગતા ઉદ્યોગો માટે પણ દિશાસૂચકની ભૂમિકા ભજવીને તાલુકાના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવવા તત્પર છે.
મુંદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં જોડાવા વેપારીઓને અપીલ જાહેર થતાં જ કેટલાક અગ્રણીઓએ વિવિધ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. મુંદરા તાલુકા મહેશ્વરી સમાજ ઉપપ્રમુખ અને પૂર્વ ગ્રામ પંચાયત સદસ્ય ભરત પાતારિયાએ જણાવ્યું કે, આ સંગઠન રચનામાં બંધારણીય પ્રક્રિયા અવગણવામાં આવી છે. તમામ વર્ગને પ્રતિનિધિત્વ મળવું જોઈતું હતું.
નજીકના લોકોને જ સમાવવા પાછળ ધંધાકીય હિતનો પણ તેમણે આરોપ વ્યક્ત કરીને પેઢી દર પેઢીથી વ્યાપાર કરતા આગેવાનો સમાવેશ ન કરવા સામે પણ સવાલ ઉઠાવ્યો હતો, સાથે તેમણે બીજું સંગઠન પણ ઊભું થવાની શક્યતા દર્શાવી હતી. જ્યારે ધારાશાસ્ત્રી અને નગરસેવક કાનજીભાઈ સોંધરાએ કહ્યું કે, સાર્વજનિક બાબતો આવે ત્યારે જરૂરી છે કે, ગામના દરેક વર્ગને વિશ્વાસમાં લેવા માટે જાહેર બેઠક બોલાવવી જોઈએ. જો કે, આ સંદર્ભે ચેમ્બરના ડાયરેક્ટરોનો સંપર્ક સાધતાં તેમણે તમામ બાબતો અંગે સ્પષ્ટતા કરી કે, આ સંસ્થાની સમગ્ર પ્રક્રિયા કાનૂની રીતે પાર પડાઈ છે અને કોઈ ભેદભાવ ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
બીજી તરફ હાલ મુન્દ્રા પંથકમાં અનેક જાયન્ટ ઉદ્યોગો તેમજ સીએફએસ કાર્યરત છે ત્યારે નગરના બુદ્ધિજીવી વર્ગે તેમના પ્રતિનિધિઓ ને વ્યાપાર ને લગતી સંસ્થામાં જોડવાનો મત પ્રદર્શિત કર્યો હતો.જેથી સંસ્થાન આર્થિક રીતે સધ્ધર બનવા ની સાથે તેને બળ પ્રદાન થવાથી જો લોકહિતના કાર્યો કરવા હોય તો સક્ષમ બને તેવો મત પ્રદર્શિત કર્યો હતો.
