અદાણી વિદ્યામંદિર અમદાવાદ(AVMA) વિદ્યાર્થીઓની સાથો-સાથ વાલીઓમાં પણ ઉદ્યોગસાહસિકતાના ગુણો વિકસાવવાના સ્તુત્ય પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં શાળામાં દિવાળી પર્વ પૂર્વે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં વિનામૂલ્યે શિક્ષણ લઈ રહેલા બાળકોના વાલીઓએ પોતાના સ્ટોલ્સ ઉભા કરી ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ નવતર અભિગમથી વિદ્યાર્થીઓને પણ ઉદ્યોગસાહસિક બનવાની પ્રેરણા મળી હતી.
પ્રકાશપર્વ દિવાળી પૂર્વે AVMA ખાતે એક અનોખો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓએ મળીને તેમાં ઉત્સવની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતુ. તેમણે પોતાની આવડત અને કૌશલ્યો મુજબ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવી તેના વેચાણર્થે શાળામાં જ સ્ટોલ લગાવ્યા હતા. AVMA દ્વારા તમામ વાલીઓને પોતાની સર્જનાત્મકતા ઉજાગર કરવા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.
AVMA જરૂરિયાતમંદ બાળકોને 100 ટકા ખર્ચ વિનાનું શિક્ષણ જ નહીં, પરંતુ તેમની સાથે સંકળાયેલા પરિવારોનો આત્મવિશ્વાસ વધારવા પ્લેટફોર્મ પૂરું પાડીને આર્થિક વિકાસ તરફ દોરી જાય છે. AVMA ખાતે સ્ટોલ્સ પર તમામ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિદ્યાર્થીઓને ‘લર્ન ટુ અર્ન’ ના મૂલ્યો સમજાવ્યા હતા. આ વર્ષે કુલ સ્ટોલ્સની સંખ્યા 12 રાખવામાં આવી હતી, જેને આવતા વર્ષે વધારવાની યોજના છે. સ્ટોલ્સ પર વિવિધ પ્રકારની ગીફ્ટ આઈટમ્સ, કાર્ડ્સ, આકર્ષક દીવાઓ, રંગબેરંગી તોરણો, કપડાંની વિવિધ બનાવટો, કોસ્મેટિક્સ અને હળવા નાસ્તાની ચીજવસ્તુઓ પણ રાખવામાં આવી હતી.
વિદ્યામંદિર દ્વારા વાલીઓને નવું પ્લેટફોર્મ પૂરું પાડતી આ સૌ પ્રથમ પહેલ હતી, જેને અસામાન્ય સફળતા મળી હતી. એક વાલીએ જણાવ્યું હતું કે, “અમે આ ખાસ આયોજનમાં ભાગ લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. અદાણી વિદ્યામંદિરે અમારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની સાથે અમને પણ ઉધોગસાહસિક બનવા પ્રેરિત કરી રહ્યું છે. આ સમગ્ર આયોજનમાં અમને આમંત્રિત કરી પ્રોડક્ટ્સના વેચાણની તક આપવા બદલ અમે અદાણી વિદ્યામંદિરની ટીમના ખૂબ જ આભારી છીએ”.
ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ ધપાવતા AVMA અનોખુ યોગદાન આપી રહ્યું છે.
