ઓસ્ટીયોસ્પોરોસીસ એટલે હાડકા પોલા અને નરમ થવા અગર તો હાડકાની ઘનતા ઓછી થઈ જવી. આ રોગ હવે માત્ર મોટી ઉંમરની સમસ્યા નથી રહી પરંતુ ૪૦ વર્ષનાને પણ આ રોગ પોતાની લપેટમાં લઈ લે છે, આમ થવાનું કારણ માનવીની લાઇફ સ્ટાઇલમાં આવેલો આમુલ ફેરફાર છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોએ આવતીકાલ ૨૦મી.ઓકટો.ના રોજ યોજાતા વિશ્વ ઓસ્ટીયોસ્પોરોસીસ દિવસ નિમિતે કહ્યું કે,ભારતમાં આજે પણ ૭૦ ટકા લોકો એક યા બીજી રીતે આ રોગથી ગ્રસ્ત છે.આમ તો આ રોગ સાયલેન્ટ કિલર છે, તેથી મોટાભાગના લોકોને હાડકામાં અસર ન થાય ત્યાં સુધી ખબર પણ નથી પડતી.
ઓર્થો સર્જન ડો.રૂષિ સોલંકીએ કહ્યું કે,આ રોગથી ક્યારેક પીઠમાં તો ક્યારેક ઘૂંટણમાં તો વળી કોઈક વાર પગ હાથમાં એમ દુખાવો થતો રહે છે,ત્યારે જાતે દર્દ નિવારક દવા લઈ રાહત મેળવવાની કોશિશ કરાય છે.પરંતુ આવી રીતે રોગને ટાળતા રહેવાથી રોગ દિવસે દિવસે વધુ વકરે છે.
આ રોગ થવાના બીજા કારણોની વિગતો આપતા તેમણે જણાવ્યું કે,મોબાઈલ,ટી.વી.કે અન્ય કામના સ્થળે લાંબા સમય સુધી બેસી રહેવાથી અગરતો નિષ્ક્રિય જિંદગી પસાર કરવાથી તેમજ ખાવા પીવામાં બેકાળજી રાખવાથી આ રોગને પ્રસરવાની વધુ તક મળે છે.આ ઉપરાંત વડીલોનું અચાનક પડી જવું,શરીરમાં ચોટ લાગવી,કમર કે થાપાની હાડકી તૂટી જવી જેવી ઘટનાથી ઓસ્ટીયોસ્પોરોસીસ થઈ શકે છે.તેમાંય હાડકા પોલા હોય તો આ રોગની તીવ્રતા વધુ દેખાય છે.
આમ તો આ રોગ થવાનું મુખ્ય કારણ હાડકાની ઘનતા ઓછી થવાથી થાય છે. હાડકા જુદા જુદા ખનીજ તત્વોથી બનેલા હોય છે. જો હાડકામાં ખનીજની માત્રા ઓછી થઈ જાય તો સમસ્યા સર્જાઈ શકે છે. તેમજ ઉચિત માત્રામાં વિટામિન ડી, કેલ્શિયમ અને પ્રોટીન લેવાય નહીં તો હાડકાનું ઘનત્વ ઘટી જાય છે. હાડકાની મજબૂતાઈ ૩૦ વર્ષ સુધી શ્રેષ્ઠ રહે છે ત્યારબાદ ધીમે ધીમે ઓછી થાય છે.
ખનીજ તત્વો તેમજ વિટામિન ડી લેતા રહેવું આવશ્યક છે. ભારતમાં અનેક લોકોને વિટામિન ડી ની કમી જોવા મળે છે.આ કમી કેલ્શિયમનું પ્રમાણ પણ ઘટાડે છે.આ રોગના લક્ષણો અંગે તબીબે કહ્યું કે, જે વ્યક્તિને શરીરના નીચેના ભાગમાં વધુ દર્દ હોય તેમ જ અન્ય ભાગમાં પણ ઓછો વતો દુખાવો રહેતો હોય તો ઓસ્ટીયોપોરોસીસ હોવાની શંકા દ્રઢ કરે છે.આ ઉપરાંત નખનો કલર બદલવો,નખ બુરો થાય કે તૂટવા લાગે તેમજ મહિલામાં મેનોપોઝ પછી આ રોગ થાય છે.આ રોગવાળી વ્યક્તિની ઊંચાઈ ઘટી જાય છે અને નીચે નમી જાય છે.
આ રોગમાં ખાન પાન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. દૂધ, દહીં, છાશ, પનીર વિગેરે ડેરીનું ઉત્પાદન લેતા રહેવું જોઈએ.ઉપરાંત બ્રોકલી સહિત પાંદડાવાળા શાકભાજી, ડ્રાયફ્રુટ્સ,વિટામિન ડી માટે સવારે કુણો તડકો લેવાથી મોટો ફાયદો થાય છે. સાથે વોકિંગ, જોગિંગ જેવી 30 મિનિટ કસરત કરવાથી હાડકાનો ઘસારો ઓછો કરી શકાય છે.
ઓસ્ટીયોસ્પોરોસીસ રોગ અંદાજે ત્રણમાંથી એક સ્ત્રી અને પાંચ માંથી એક પુરુષને ૫૦ વર્ષ પછી થાય છે. તેમ છતાં વહેલું નિદાન થાય તો અનેક મુશ્કેલી નિવારી શકાય.
