જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં સીટી સ્કેન આધારિત નિદાન સચોટ અને ઝડપી બને એ હેતુસર આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ૧૨૮ સ્લાઈસથી બનેલું સીટી સ્કેન ઉપકરણ સ્થાપિત થઈ જતાં રેડીયોલોજી વિભાગમાં સીટી સ્કેન આધારિત તમામ સેવાઓ પૂર્વવત થઇ ગઈ છે.
આ આધુનિક યંત્રથી માત્ર સીટી સ્કેન જ નહિ, સીટી એન્જીયો પણ કરી શકશે જેનો લાભ પણ કચ્છીજનોને ઉપલબ્ધ બનશે.
તાજેતરમાં જ અદાણી હેલ્થ કેરના હેડ ડો.પંકજ દોશી, ગેઇમ્સના ડાયરેક્ટર ડૉ.બાલાજી પિલ્લઈ તેમજ મેડિ.સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણીની ઉપસ્થિતિમાં કાર્યાન્વિત કરવામાં આવ્યું હતું.
જી.કે.જનરલ હો.સ્પિટલના રેડીયોલોજી વિભાગના વડા ડો.ભાવિન શાહના જણાવ્યા અનુસાર, અત્રે ૧૬ સ્લાઈસ સીટી સ્કેનની જગ્યાએ નવું યંત્ર સ્થાપિત કરવાનું હોવાથી હંગામી ધોરણે આ સેવા સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓની પરેશાની ટાળવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.પરંતુ હવે તમામ સીટી સ્કેન સેવા ચાલુ થઈ જતાં લોકોને રાહત મળશે.
એટલું જ નહિ, નવા ઉપકરણથી કોરોનરી એન્જીયોગ્રાફી સહિત દરેક પ્રકારની એન્જીયોગ્રાફી અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સચોટ તપાસ કરી શકાશે. આ ઉદઘાટન પ્રસંગે રેડીયોલોજિસ્ટ ડો.શિવમ કોટક સહિત આ વિભાગના તબીબો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપકરણને રેડીયોલોજી વિભાગના ટેક્નિશિયન અને જુનિયર તબીબોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
