વ્યક્તિના જીવનમાં જેની કલ્પના પણ ન હોય એવી અચાનક કોઈ દુર્ઘટના સર્જાઈ જાય જે દિલ અને દિમાગમાં ઊંડી અસર કરી જાય છે. ક્યારેક તો તેમાં મૃત્યુ પણ થઈ શકે છે. તેમજ મનુષ્યને આવી કોઈ દુર્ઘટનાથી ઊંડો આઘાત લાગે તો તેને ટ્રોમા કહે છે. ટ્રોમામાં એક્સિડન્ટ, કોઈ કારણસર અચાનક મૃત્યુ, કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિ જેવી ઘટનાનો સમાવેશ થાય છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં કાર્યરત આધુનિક ટ્રોમા સેન્ટરના વડા અને અન્ય તબીબોના જણાવ્યા અનુસાર, વિશ્વમાં દર વર્ષે ૧૭મી ઓક્ટોબરના રોજ ટ્રોમા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે કોઈ દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક મેડિકલ સુવિધા અને માનસિક આઘાતની સારવારની મદદથી જિંદગી બચાવવા ઉપાય બતાવવામાં આવે છે.
કચ્છમાં પણ કોઈ દુર્ઘટના ઘટે તો સારવાર માટે જી.કે.માં ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર ૨૪ કલાક કાર્યાન્વિત રહે છે. એટલું જ નહીં કટોકટીના સમયમાં ઝડપી જેને ‘ગોલ્ડન અવર’ સેવા કહે છે, તેવો પ્રતિસાદ પણ આપવામાં આવે છે. આ સેવા અંતર્ગત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનું નેટવર્ક, તાત્કાલિક પરિવહન સુવિધા તેમજ તબીબોની મલ્ટી ડીસિપ્લીનરી ટીમ, ઈમરજન્સી મેડિસિન, જનરલ સર્જનની ટીમ, ઓર્થોપેડિક નિષ્ણાત એક સાથે સેવા આપે છે.
વર્તમાન સંજોગોમાં ટ્રોમા માટે સૌથી મોટું કામ અકસ્માતને લગતું હોય છે. આ હકિકતને ધ્યાનમાં રાખી ઓર્થોપેડિક ટીમ તૈયાર રાખવામાં આવે છે. જેમાં હાડકાની કોઈપણ દુર્ઘટના બને તો હાડકાની જટીલ સર્જરી, થાપાની ઇજા હોય તો રિપ્લેસમેન્ટ, પ્લેટિંગ, જનરલ સર્જરીમાં પેટ અને અન્ય ગંભીર ઇજાઓની સેવા ફિઝીયોથેરાપી અને રિહેબિલિટેશન તેમજ ઓપરેશન બાદ ઝડપી રિકવરી માટે ખાસ કાળજી સેવવામાં આવે છે.
આ કાર્ય માટે અત્રે આધુનિક ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે અને ચેકો માર્યા વિના શસ્ત્રક્રિયા થઈ શકે છે.એટલું જ નહિ અકસ્માત જેવા સંજોગોમાં આંતરિક રક્તસ્ત્રાવ અને ગંભીર ઈજાઓ માટે તાત્કાલિક પ્રતિસાદ પણ આપવામાં આવે છે. આ પ્રકારે જી.કે. હવે ઈમરજન્સી અને ટ્રોમા સેન્ટર માટે જિલ્લાનું મુખ્ય ટ્રોમા કેન્દ્ર બની ગયું છે. જિલ્લામાંથી ટ્રોમા સબંધિત રોજના સરેરાશ ૧૦ થી ૧૫ જેટલા દુર્ઘટનાગ્રસ્ત દર્દીઓ સારવાર લેવા આવે છે.
