દેશના સૌથી મોટા ડિજિટલ રેકેટનો પર્દાફાશ

અમદાવાદની સાયબર ક્રાઇમની ટીમે ડિજિટલ અરેસ્ટના નામે થતી છેતરપિંડીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવનાર માસ્ટર માઇન્ડને પોલીસે પકડી પાડ્યો છે. આ રેકેટમાં પોલીસ દ્વારા ચાર તાઇવાનના નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ પહેલાં પોલીસે આ મામલે 13 ભારતીય આરોપીને ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ખુલાસો થયો કે, આરોપીઓએ ચાર વર્ષ સુધી ભારતમાં રિસર્ચ કરી આખુંય ષડયંત્ર હાથ ધર્યું હતું. જેમાં છેલ્લાં એક વર્ષથી વિવિધ સોશિયલ મીડિયા તેમજ ગેમિંગ ઝોનના નામે લોકો પાસેથી રોજના બે કરોડ રૂપિયા પડાવતાં હતાં. આ મામલે અત્યાર સુધી 450 ફરિયાદો નોંધવામાં આવી હતી.

ડિજિટલ અરેસ્ટના આ આરોપીઓએ તાજેતરમાં જ અમદાવાદના એક સિનિયર સિટિઝને CBI ના નામે ધમાકાવી ડિજિટલ અરેસ્ટ કર્યા હતાં. આ દરમિયાન આરોપીઓએ વૃદ્ધ પાસેથી 80 લાખ રૂપિયા પડાવી દીધા હતાં. આ મામલે ગભરાયેલા વૃદ્ધે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા અમદાવાદ સહિત વડોદરા, સુરત, મુંબઈ, ઓડિશા, દિલ્હી, બેંગલુરૂ સહિતના રાજ્યોમાં દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં દેશના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ ટોળખી વિરૂદ્ધ NCRB પોર્ટલમાં 450 થી વધુ ફરિયાદ દાખલ છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, આ ટોળકીએ સપ્ટેમ્બર મહિનામાં સિટી સાયબર ક્રાઇમમાં 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ સિનિયર સિટીઝનને તેમનો મોબાઈલ નંબર પ્રતિબંધિત જાહેરાતોમાં ઉપયોગ થતો હાવાથછી મુંબઈના ભાયખલ્લા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે તેવું કહીને ધમાકાયા હતાં. ટ્રાઈ, સાયબર ક્રાઇમ બ્રાન્ચ, આરબીઆઈના અધિકારી બનીને ફોન, વીડિયો કોલ કરીને એક પ્રકારના ડિજિટલ અરેસ્ટની સ્થિતિમાં રાખી 80 લાખ રૂપિયા પડાવ્યા હતાં.

સિંઘલે જણાવ્યું કે, આ મામલે બે તાઇવાનના નાગરિક 42 વર્ષીય મુચી સંગ ઉર્ફે માર્ક અને 33 વર્ષના ચાંગ હાવ યુન ઉર્ફે માર્કોને દિલ્હી તાજ હોટેલમાંથી પકડવામાં આવ્યા હતાં. આ બંને તાઇવાનથી દિલ્હી પહોંચ્યા બાદ હોટેલમાં રોકાયા હતાં. તેઓએ જણાવ્યું કે, આ ટોળકીનો મુખ્ય આરોપી માર્ક છે. અન્ય બે તાઇવાનના નાગરિક 26 વર્ષીય વાંગ ચુન વેઈ ઉર્ફે સુમોકા અને 35 વર્ષીય શેન વેઈ ઉર્ફે ક્રિશને બેંગલુરૂમાંથી પકડ્યા હતાં. આ સિવાય અમદાવાદ, વડોદરા, સુરત, લીંબડી, મુંબઈ, ઓડિશાના કટક, લિલ્હી, બેંગલુરૂ, રાજસ્થાનના ડુંગરપુરમાં દરોડા પાડી 13 અન્ય આરોપીની ધરપકડ કરી છે.

આ વિશે વધુ માહિતી આપતાં સિંઘલે જણાવ્યું કે, આરોપીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતી મોબાઈલ એપ તાઇવાનના આરોપી દ્વારા જ વિકસિત કરવામાં આવી હતી. તેઓએ પોતાની સિસ્ટમમાં ઓનલાઈન વોલેટ પણ ઇન્ટીગ્રેટ કર્યું હતું. પીડિતો પાસેથી મળતી રકમને આ એપનો ઉપયોગ કરીને દુબઈમાં અન્ય બેન્ક ખાતા તેમજ ક્રિપ્ટો એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. તેઓ આ એપના માધ્યમથી મોકલવામાં આવતા પૈસા પર હવાલા દ્વારા કમિશન મેળવતા હતાં.

આરોપી દ્વારા કરવામાં આવતાં ડિજિટલ અરેસ્ટ વિશે જેસીપી સિંઘલે કહ્યું કે, આ રેકેટ એવા કોલ સેન્ટરથી ચલાવવામાં આવતું હતું જે તપાસ એજન્સીઓના વાસ્તવિક કાર્યાલય જેવું દેખાતું હોય અને ત્યાંથી વીડિયો કોલ પણ કરવામાં આવતા હતાં. પોલીસે આરોપી પાસેથી 12.75 લાખ રોકડા, 761 સિમ કાર્ડ, 120 મોબાઇલ ફોન, 96 ચેક બુક, 92 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ટ્રાન્ઝેક્શન સંબંધિત ખાતાની 42 પાસબુક જપ્ત કરી છે. 

ડિજિટલ અરેસ્ટ એક પ્રકારનો સાઇબર ગુનો છે, જેમાં પીડિતને એવો વિશ્વાસ અપાવાવમાં આવે છે કે, તે મની લોન્ડ્રિંગ, ડ્રગ તસ્કરી વગેરે માટે અધિકારીઓ દ્વારા તપાસના દાયરામાં છે. પીડિતને વીડિયો કોલના માધ્યમથી જ્યાં સુધી આરોપીને પકડી ન લેવાય ત્યાં સુધી કેદમાં રહેવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ પીડિતને છોડવા માટે તેને જુદાં-જુદાં બેન્ક એકાઉન્ટમાંથી મોટી સંખ્યામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

Leave a comment