અદાણી જૂથ દિકરીઓના સશક્તિકરણ માટે સમર્પિત પ્રયાસો કરી રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન ‘ગર્લ્સ વિઝન ફોર ધ ફ્યુચર’ મિશનને સતત આગળ ધપાવી રહ્યું છે. નિ:શુલ્ક શૈક્ષણિક કાર્યક્રમો, આવશ્યક સંસાધનો અને સંવર્ધન, બાલિકાઓને એવું તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડે છે, કે જ્યાં દિકરીઓ ખરેખર સ્વયંનો વિકાસ સાધી શકે. આજે (11 ઑક્ટોબરે) ‘આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ દિવસે’ અસંખ્ય પડકારોનો સામનો કરતી દિકરીઓની સફળ વાર્તાઓ રચવામાં અદાણી જૂથની સક્રિય ભૂમિકા વિશે ચર્ચા કરીશું.
સૌમ્યાની સાર્થક સફર!
અદાણી ગ્રુપના સાર્થક પ્રયાસો દ્વારા સશક્ત બનેલી દિકરીઓની પ્રેરણાદાયી વાર્તાઓએ સમાજમાં હકારાત્મક પરિવર્તન આણ્યુ છે. અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) ખાતેની સૌમ્યા ચાવડાની સફર એ દિકરીઓના સપના સાકાર કરતું ઝળહળતું ઉદાહરણ છે. ગુજરાતી ગર્લે ગ્લોબલ કક્ષાએ નામ રોશન કર્યું. રાજ્યની એકમાત્ર સહભાગી તરીકે બ્રાઝિલમાં AFS ગ્લોબલ STEM એકેડેમી શિક્ષણ કાર્યક્રમ માટે તેની પસંદગી કરવામાં આવી હતી.
NCC કેડેટ સૌમ્યાના સામર્થ્યને ઓળખી AVMA દ્વારા તેને આંતર-શાળા કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહક માર્ગદર્શન કરવામાં આવતું. શાળાએ તેની રુચિઓ પોષવા માટે STEM શિક્ષણમાં મજબૂત સમર્થન પૂરું પાડ્યું. શિક્ષકોએ સૌમ્યાને વિવેચનાત્મક રીતે વિચારવા અને નવીનતા લાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બ્રાઝિલમાં STEM પ્રોગ્રામ માટે સમગ્ર દેશમાંથી માત્ર ત્રણ વિદ્યાર્થીઓમાંની એક સૌમ્યાએ બ્રિટિશ પેટ્રોલિયમ ઓફિસ ખાતે પ્રોગ્રામિંગ વર્કશોપ સહિતની પ્રસ્તુતિઓમાં ભાગ લીધો હતો. આજે સૌમ્યા કન્યા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ સશક્ત ઉદાહરણ બની છે.
સકીનાના સપના સાકાર!
ભદ્રેશ્વરના માછીમાર પરિવારની સકીના પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે ભણીગણીને તેના સ્વપ્ન સાકાર કરી શકે તેમ નહતી. અદાણી વિદ્યામંદિરનો સાથ-સહકાર મળતા આજે તેની ઇજનેર બનવાની મહેચ્છા પૂર્ણ થઈ છે.
રૂઢિચુસ્ત સમાજમાં દીકરીઓ પર અનેક પાબંધીઑ હોય છે! સદનસીબે સકીનાનું અભ્યાસ અદાણી વિદ્યામંદિરમાં થયો. આઠમા ધોરણ હતી ત્યારે જ એક અકસ્માતમાં સકીનાના પિતા પથારીવશ થયા. પરિવારની સૌથી મોટી દીકરી સકીનાએ શિક્ષણને જ એક ઉપાય સમજી પરિવારનો ‘આધાર’ બનવાની નેમ લીધી.
અદાણી ફાઉન્ડેશને સકીનાને દસમું ધોરણ પાસ કરાવી ઈજનેરી કોલેજમાં પ્રવેશ અપાવ્યો. જોતજોતામાં તેણીએ ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી લીધી. સકીના જણાવે છે કે, “જો અદાણી ફાઉન્ડેશને મારો હાથ ઝાલ્યો ના હોત તો આજે હું જ્યાં ઊભી છું તે મારા માટે એક સ્વપ્ન બનીને રહી જાત. હું આભારી છું અદાણી પરિવારની જેણે મને સપનાઓને સાર્થક કરવા સક્ષમ બનાવી.”
રઝીયાએ કર્યા રાજીના રેડ!
ભદ્રેશ્વરની રઝિયા ઇબ્રાહિમે 2014માં અદાણી વિદ્યામંદિર ખાતે શૈક્ષણિક સફર શરૂ કરી હતી. આર્થિક મુશ્કેલીઓ તેની મહત્વાકાંક્ષાઓને પાટા પરથી ઉતારી દેતી હતી. શાળાએ તેને વિનામૂલ્યે શિક્ષણ અને શૈક્ષણિક સંસાધનો જ નહીં પરંતુ સહાયક વાતાવરણ પણ પ્રદાન કર્યું. વિદ્યામંદિરનું માર્ગદર્શન અને સખત મહેનતના જોરે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં તેણે 78.83% પરિણામ મેળવી ટોચના વિદ્યાર્થીઓમાં સ્થાન હાંસલ કર્યુ.
રઝિયાએ ડૉક્ટર બનવાના સપના સાથે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો છે. AVMB અને અદાણી ફાઉન્ડેશન તેના ટ્યુશન, ગણવેશ અને અભ્યાસ સામગ્રીમાં મદદરૂપ થાય છે.
લીલાની સફળતાનો લલકાર!
અદાણી ફાઉન્ડેશન સંચાલિત શ્રમ નિકેતન ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થી લીલા પાઈકરાએ સ્પોર્ટ્સમાં નામ રોશન કર્યુ છે. રમતગમતની દુનિયામાં તેનો પ્રવેશ 2022 માં થયો ત્યારે રાજ્યમાં સબ-જુનિયર નેશનલ થ્રોબોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણીએ પાછુ વળીને જોયું નથી.
ડિસેમ્બર 2023માં હિમાચલ પ્રદેશમાં જુનિયર નેશનલ થ્રોબોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ, મે 2024માં ઝારખંડમાં અંડર-19 કેટેગરીમાં સિલ્વર મેડલ, જૂન 2024 માં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જેવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
લીલા તેની સફળતા પાછળ અદાણી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માને છે. ડૉક્ટર બનવાની મહત્વાકાંક્ષા ધરાવતી લીલા સમુદાય માટે કંઈક કરી છૂટવાની મહેચ્છા ધરાવે છે. હાંસિયામાં ધકેલાયેલી યુવતીઓ માટે તે શિક્ષણ અને રમતગમતની પરિવર્તનશીલ શક્તિને ઉજાગર કરે છે.
અમિષામાં ખીલી આત્મનિષ્ઠા!
અદાણી વિદ્યામંદિરની વિદ્યાર્થિની અમીષા પોર્ટેએ સ્વયં સશક્ત બનીને સમાજમાં પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેડૂત પિતા અને આંગણવાડી સહાયક માતાની દિકરીની ભણતરની લગનને અદાણી વિદ્યામંદિરે નવી પાંખો આપી. આર્થિક સંકટોનો સામનો કરી રહેલા પરિવારની દિકરીને 10 મા ધોરણ સુધી અભ્યાસ કરાવ્યો. પરિશ્રમ અને માર્ગદર્શનના પરિણામે બોર્ડમાં 71% માર્ક્સ હાંસલ કરીને તે ઉદાહરણરૂપ બની છે. અદાણી ફાઉન્ડેશન કન્યા કેળવણી અને આત્મનિર્ભરતા તરફ અનેક પ્રયાસો કરી રહ્યું છે. આવી તો અનેક સફળ ગાથાઓ રચી સમાજમાં બદલાવ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે.
