જી.કે. જનરલ અદાણી હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા વીતેલા સપ્ટે. માસમાં ૮૨૦ યુનિટ અર્થાત ૨.૮૭ લાખ સી.સી. બલ્ડ એકત્રિત કરતા ચાલુ માસમાં હોસ્પિટલ માટે ગાયનેક,સર્જરી,ઈમરજન્સી તેમજ અન્ય વિભાગ માટે રક્ત પૂરું પાડવામાં સફળતા મળી હતી.
હોસ્પિટલની બ્લડ બેન્કના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયએ પ્રતિ માસે જિલ્લાના રક્તદાતાઓ રક્તદાન ક્ષેત્રે મદદરૂપ બનતા હોય છે, તેમનો આભાર માની જણાવ્યું કે, કચ્છમાં યોજાતા કેમ્પ ઉપરાંત સ્થાનિકે બ્લડ બેન્કમાં જ ૩૩૭ યુનિટ અર્થાત ૧.૧૭ લાખ સી.સી. રક્ત ભેગું કરી શકાયું હતું, જ્યારે ૪૮૩ યુનિટ એટલે કે ૧.૬૯ લાખ સી.સી. બ્લડ જુદા જુદા ૫ કેમ્પ મારફતે મેળવવામાં આવ્યું હતું.
બ્લડ બેન્ક દ્વારા આયોજિત આ ૫ રક્તદાન કેમ્પમાં નખત્રાણા ખાતે કેસરાણી પરિવાર, ભુજ ખાતે રઘુવંશી સોશિયલ ગ્રુપ, ભીમાસરમાં એગ્રિટેક કંપની, કેરા મુકામે યુથ કમિટી અને ભુજ ખાતે લાયન્સ હોસ્પિટલમાં કેમ્પ યોજાયા હતા એમ કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું.
વર્તમાન નવરાત્રી અને આગામી દિવસોમાં તહેવાર નિમિતે પણ હંમેશની માફક હોસ્પિટલમાં લોહીની જરૂરિયાત સંતોષી શકાય એ હેતુસર બ્લડબેંક દ્વારા રક્તદાતાઓને રક્તદાન માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
નખત્રાણામાં બારમા પ્રસંગે રક્તદાન કરી રાહ ચીંધ્યો:
કચ્છમાં રક્તદાન ક્ષેત્રે જાગૃતિનો લોકોમાં સંચાર થયો છે. જન્મ દિવસ, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમ પ્રસંગોએ તો રક્તદાન કરી ઉજવે છે, પરંતુ હવે કોઈ વડીલનું દુઃખદ અવસાન થાય તો તેમના બારમાના પ્રસંગે પણ રક્તદાન કરી સમાજને રાહ ચીંધવાનું કામ નખત્રાણાના કેસરાણી પરિવારે કર્યું છે. જેમાં ૮૪ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
