આવકવેરાના દરોડામાં NGOs ને વિદેશી ભંડોળ મળ્યાનો ખુલાસો

આવકવેરા વિભાગે વિદેશી ભંડોળથી ચાલતા પાંચ એવા NGOs નો પર્દાફાશ કર્યો છે જે દેશમાં વિકાસ કાર્યોમાં અવરોધો ઉભી કરી રહ્યા હતા. દેશના વિકાસને નવી ગતિ આપી રહેલા અદાણી ગ્રૂપ સહિતની જાણીતી કંપનીઓના પ્રોજેક્ટસમાં અવરોધ ઉભા કરવા એ જ તેમનું લક્ષ્ય હતું. આવકવેરા વિભાગે 7 સપ્ટેમ્બર 2022 ના રોજ 5 NGOs પર દરોડા પાડ્યા હતા. જેમાં ઓક્સફામ, CPR, Envionics Trust, LIFE અને CISSD નો સમાવેશ થાય છે.

આવકવેરા વિભાગે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ચાર NGOsને મળેલુ 75 ટકા ભંડોળ વિદેશમાંથી આવ્યું હતું. તે NGOs દ્વારા મોટી કંપનીઓના પ્રોજેક્ટ્સ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. Oxfam India એ Oxfam Australia ને અદાણી ગ્રુપનું કામ રોકવામાં મદદ કરી હતી. ચોંકાવનારી બાબત તો એ પણ છે કે, અદાણી પોર્ટ્સને ડીલિસ્ટ કરવામાં પણ ઓક્સફેમ ઈન્ડિયાનો સીધો રસ લીધો હોવાનું બહાર આવ્યું છે.

ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર અનુસાર, સપ્ટેમ્બર 2022માં ઈન્કમટેક્સ વિભાગના દરોડા બાદ આ સમગ્ર પ્રકરણના પડદા ખુલવા લાગ્યા હતા. આઈટી વિભાગે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી તો ચોંકાવનારી બાબતો સામે આવી. જો કે એ તમામ NGO એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હતા તે હજુ બહાર આવ્યું નથી, પરંતુ આઇટી વિભાગના જણાવ્યા અનુસાર, એક NGOના ડાયરેક્ટર અન્ય NGOના શેરહોલ્ડર હોવાનો ખુલાસો થયો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે વાતચીત કરતા જાણીતા રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલાએ તેને આર્થિક આતંકવાદ ગણાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે આવા NGO સામે કડક કાર્યવાહી કરવાની હાંકલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. અદાણી ગ્રુપ અને તેના જેવી દેશની અન્ય પ્રખ્યાત કંપનીઓને નિશાન બનાવવા NGOએ વિદેશી ભંડોળનો ઉપયોગ કર્યો તે ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે.

પૂનાવાલે કહ્યું હતું કે “અદાણી ગ્રુપ અને અન્ય દેશની પ્રખ્યાત કંપનીઓને નિશાન બનાવવા માટે NGOએ વિદેશી ભંડોળનો ઉપયોગ કર્યો તે ખરેખર ચોંકાવનારું છે. તેમણે ઉમેર્યુ હતું કે, ‘હું કોઈ NGOની વિરુદ્ધ નથી, પરંતુ NGOને શા માટે ફંડ આપવામાં આવે છે? તે પૈસા આપણા દેશમાં કેમ આવી રહ્યા છે? તે ભંડોળથી તેનો ઉદ્દેશ્ય પૂરો કરે છે કે પછી તેનો ઉદ્દેશ્ય ભારતને અસ્થિર કરવાનો છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.

પૂનાવાલાએ કહ્યું કે “જ્યારે ભારતની પરમાણુ સમજૂતી પર હસ્તાક્ષર થયા ત્યારે પણ ઘણા NGOએ તેને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. તત્કાલીન યુપીએ સરકારે તે NGOs સામે કડક પગલાં લીધા ન હતા. મારું માનવું છે કે જો કોઈ NGOનો ઉદ્દેશ્ય ભારતમાં આર્થિક આતંકવાદ ફેલાવવાનો હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યુ હતું કે “અદાણી ગ્રુપ બંદરોના વિકાસ માટે કામ કરે છે અને બંદરો ભારતને ઘણો વ્યૂહાત્મક લાભ આપશે, આવી સ્થિતિમાં કંપનીને અસ્થિર કરવાનો પ્રયાસ એ ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ છે”.

પૂનાવાલાએ જણાવ્યું હતું કે ”અદાણી ગ્રુપનું ભારત દેશ માટેનું એક વિઝન છે. વિદેશી ભંડોળથી ચાલતી NGO આપણા દેશની કોઈપણ કંપનીને અસ્થિર કરવાનો પ્રયાસ કરે તે શું કામ સહન કરવું જોઈએ?”.

NGOનું કામ સમાજના કલ્યાણ માટે કામ કરવાનું હોય છે, પરંતુ વિદેશમાંથી મળેલી જંગી રકમથી તેઓ મોટી કંપનીઓના પ્રોજેક્ટ રોકવામાં વ્યસ્ત હતા.

Leave a comment