અરવિંદ કેજરીવાલનો આપ પક્ષ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલવામાં પણ સફળ રહ્યો નથી. જામીન પર બહાર કેજરીવાલનો જાદુ અને ઝાડું હરિયાણામાં નિષ્ફળ રહ્યું.
દિલ્હીમાં 2013થી શાસન કરતાં આમ આદમી પાર્ટી(આપ)એ પંજાબમાં પણ સરકાર બનાવી છે. ત્યારબાદથી પક્ષે અનેક ચૂંટણીઓ લડી અને રાષ્ટ્રીય સ્તરનો પક્ષ બનાવ્યો. પરંતુ આ વખતે હરિયાણા ચૂંટણીમાં પક્ષને કોંગ્રેસ તરફથી ગઠબંધન ન મળતાં તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી હતી. પરંતુ હરિયાણામાં એક પણ બેઠક પર ખાતું ખોલાવી શક્યો નથી.
હરિયાણાની 90 બેઠકો પર ચૂંટણી લડનાર આપ પક્ષની અત્યાર સુધી એક પણ બેઠકમાં સરસાઈ જોવા મળી નથી. જે રાજ્યના તમામ લોકો દ્વારા પક્ષનો બહિષ્કાર દર્શાવે છે. મત ગણતરી શરુ થતાં કોંગ્રેસ બહુમત સાથે આગેકૂચ કરી રહ્યું હતું, પરંતુ 10 વાગ્યાથી બાજી પલટાઈ ગઈ હતી. ભાજપ મોટી સરસાઈ સાથે આગળ ચાલી રહ્યું છે.
આપની આ સ્થિતિ તેના માટે ચિંતાનું કારણ બની છે. અત્યંત વિશ્વાસ સાથે જામીન પર બહાર આવેલા કેજરીવાલે અનેક વચનો આપ્યા હોવા છતાં જનતાએ તેમના પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો ન હતો. જેની અસર થોડા સમય બાદ દિલ્હીમાં યોજાનારી ચૂંટણી પર થઈ શકે છે. આગામી વર્ષની શરુઆતમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વર્તમાન સંજોગોને પગલે આપના નેતાઓ અને કાર્યકરોએ અથાગ મહેનત સાથે આગામી રણનીતિ ઘડવી પડશે.
