સાઉથ કોરિયાના બુસાન શહેર ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ જિયોલોજીકલ કોંગ્રેસ કોન્ફરન્સમાં કચ્છ યુનિર્સિટીના જીઓ સાયન્સીસ વિભાગના પીએચડીના વર્તમાન તથા પૂર્વ છાત્રોએ પોતાનું સંશોધન પત્ર રજૂ કર્યું હતું. આ કોન્ફરન્સમાં ભારતના 200થી વધારે જીયોલોજી વિષયના સંશોધનકર્તાઓએ ભાગ લીધો હતો.
કચ્છ યુનિવર્સિટીના કેતન ચસ્કાર, ડો. સુરજ ભોસલે, ડો. અભિષેક લખોટેએ સંશોધન પત્ર રજૂ કર્યું હતું. આ ઉપરાંત કચ્છમાંથી સંશોધન કરતા દેશ અને દુનિયાભરના ઘણા બધા વૈજ્ઞાનિકોએ કચ્છની જીયોલોજી ઉપર સંશોધન પત્ર રજૂ કર્યા હતા. કેતન ચસ્કાર હિમાલયના ટ્રાઇસિક યુગના ખડકો પર પીએચડી કરે છે જ્યારે ડો. અભિષેક લાખોટે એ કચ્છ વાગડ ફોલ્ટ લાઇન ઉપર પીએચડી કરી હાલે તાઇવાનના તાઇપાઇ શહેર ખાતે એકેડમીયા સિલિકામાં પોસ્ટ ડોક્ટરલ (PDF) રિસર્ચ કરી રહ્યા છે. ડો. સુરજ ભોસલે હાલ આઇઆઇટી બોમ્બે ખાતે પોતાનું પીડીએફ સ્ટડી કરી રહ્યા છે. કચ્છ યુનિવર્સિટીના વર્તમાન અને પૂર્વ ત્રણેય વિદ્યાર્થીઓને કુલપતિ તથા કુલ સચિવે અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2016 માં યોજાયેલી ઇન્ટરનેશનલ જિયોલોજીકલ કોન્ફરન્સમાં કેપ્ટાઉન ખાતે કચ્છ યુનિવર્સિટીમાંથી પ્રોફેસર મહેશ ઠક્કર તથા ડોક્ટર ગૌરવ ચૌહાણએ ભાગ લઇ પોતાના કચ્છ ઉપરના જિયોલોજી વિષયના સંશોધનપત્ર રજૂ કર્યા હતા.
