~ મગજ અને કરોડરજ્જુને પજવતો મેનિન્જાઈટિસ વ્યસ્કોની સરખામણીમાં બાળકોને વધુ ચપેટમાં લે છે
~ વિશ્વમાં દર વર્ષે જોવા મળતા ૨.૫.મિલિયન મેનિન્જાઈટિસ કેસમાં અડધા તો બાળકો હોય છે
મેનિન્જાઈટિસ બેક્ટેરિયાઅને વાયરસથી ઉત્પન્ન થતી એક સંક્રમણ જન્ય બીમારી છે. જે મગજ અને કરોડરજ્જુની આસપાસના પટલમાં એક પ્રકારનો દુખાવો અથવા બળતરા ઉત્પન્ન કરતો રોગ છે. વિશ્વભરમાં દર વર્ષે મેનિન્જાઈટિસના ૨.૫ મિલિયન થી વધુ કેસ જોવા મળે છે અને મહત્વની વાત એ છે આ રોગના લગભગ અડધા કેસ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં દેખાય છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડો. રેખાબેન થડાની અને ડો.યશ્વી દતાણીના જણાવ્યા મુજબ જી.કે .માં પણ દર મહિને બાળકોમાં મેનિન્જાઈટિસના ૨૦ થી ૨૫ કેસ જોવા મળે છે. આમ તો આ રોગ કોઈપણ ઉંમરની વ્યક્તિને થાય છે, પરંતુ બાળકોમાં પ્રારંભે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે આ રોગની અસર તાત્કાલિક દેખા દે છે.
નાના બાળકો અને શિશુઓમાં જોવા મળતા આ રોગના લક્ષણો અંગે તબીબોએ કહ્યું કે, બાળકોમાં તાવ, ઉલટી, ચીડિયાપણું, ગરદન અથવા શરીરમાં ખેંચાણ, આંચકી વગેરે જોવા મળે છે. મેનિન્જાઈટિસનું મુખ્ય કારણ આવા રોગથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવું અને જો રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો તેના બેક્ટેરિયા અને વાયરસ તાત્કાલિક અસર કરી જાય છે.
બાળરોગ નિષ્ણાતોના મતે રસીકરણ દ્વારા આ રોગ સામે રક્ષણ મળે છે. તેથી આ બીમારી સામે રક્ષણ માટે રસી લેવાની ભલામણ કરવામાં આવે છે. બાળકોમાં ખાસ કરીને ન્યુમોકોકલ, બી.સી.જી. એચ.આઇ.બી. રસી મુખ્ય છે. જો રસીકરણ ન થાય તો જોખમ વધી શકે છે. ઠંડીમાં મેનિન્જાઈટિસના કેસો વધે છે.
દરેક ઉંમરની વ્યક્તિમાં જોવા મળતા આ રોગની સારવાર તેના બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન પ્રમાણે કરવામાં આવે છે.બાળકોમાં મૃત્યુનું પ્રમાણ વધુ હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે ૫ મી ઓકટો.ના રોજ આ દિવસ મનાવે છે.ચાલુ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા જ્યોતની એક વૈશ્વિક સાંકળ રચી આ રોગને નાથવા આશાનું કિરણ રચશે અને ૨૦૩૦ સુધીમાં તેને દૂર કરવા પ્રયત્નો કરશે.
